આજથી PM તરીકે નરેન્દ્ર મોદીની ત્રીજી ઈનિંગ, વિપક્ષ હાજરી આપશે કે નહીં?
આજની શપથવિધિના કાર્યક્રમમાં કયા દેશના નેતા ઉપસ્થિત રહેશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પરિણામોમાં એનડીએને સત્તા પ્રાપ્તિ માટે સ્પષ્ટ બહુમતીને કારણે આજે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર ગઠન થશે. 2014, 2019 અને 2024ની ચૂંટણીમાં ભાજપ (એનડીએ)ની જીત બાદ ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરી છે, જેથી આજે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમપદની શપથ લેશે.

આજે સાંજના 7.15 વાગ્યાના સુમારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે શપથ લેશે. એના માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે, જ્યારે પ્રધાનોની યાદી પણ રેડી છે. નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં થશે અને તેના માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર યુટયુબ ચેનલ પર એક વીડિયો જારી કરીને જણાવાયું છે કે રવિવારે સાંજના કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરી છે.
આજના કાર્યક્રમમાં દેશ-વિદેશના 8,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. વિવિધ દેશના નેતાઓ પણ સામેલ રહેશે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી લંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મહોમ્મદ મુઈજ્જુ, સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીક, બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના, મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દાહાલ, ભુટાનના વડા પ્રધાન દાશો શેરિંગ તોબગે સહિત અન્ય દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના શનિવારે જ દિલ્હી પહોંચ્યા હતા.
આજના શપથવિધિના કાર્યક્રમ નિમિત્તે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આજે અને આવતીકાલે દિલ્હીને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષા માટે એસપીજી, રાષ્ટ્રપતિ સુરક્ષા ગાર્ડ, આઈટીબીપી, દિલ્હી પોલીસ, ગુપ્તચર એજન્સી, એનએસજીના બ્લેક કેટ કમાન્ડો અને એનડીઆરએફની ટીમ હાજર રહેશે. 500થી વધુ સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવશે, જ્યારે દિલ્હીના સમગ્ર વિસ્તાર 144 કલમ લાગુ પડાવામાં આવી છે.
ભારતમાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદીના નામે નવો રેકોર્ડ નોંધાશે. આજે નરેન્દ્ર મોદી શપથગ્રહણ પહેલા સવારે 6.30 વાગ્યે રાજઘાટ જશે, ત્યારબાદ સાત વાગ્યે અટલ સમાધિ અને એના પછી સાડાસાત વાગ્યે વોર મેમોરિયલ જશે.
કેબિનેટની વાત કરવામાં આવે તો ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, અને વિદેશ મંત્રાલયમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે નહીં. આ ત્રણેય મંત્રાલય પર ભાજપનો કબજો રહેશે, જ્યારે સાથી પક્ષો જેડે (યુ), ટીડીપી, શિવસેના, એનસીપી સહિત અન્ય નાના પક્ષોના નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓને કેબિનેટમાં સ્થાન યથાવત રહેશે. આ ઉપરાંત, લોકસભાની ચૂંટણી જીતનારા પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, બસવરાજ બોમ્મઈ, મનોહરલાલ ખટ્ટર અને સર્બાનંદ સોનોવાલ સરકારમાં સામેલ થવાની પ્રબળ સંભાવના છે.
શપથગ્રહણ સમારંભમાં દેશ-વિદેશના નેતાઓની સાથે વિપક્ષની પાર્ટીનાં નેતાઓ ઉપસ્થિત રહે કે નહીં એના અંગે અસમંજસ છે. શનિવારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ઈન્ડિ (I.N.D.I.A.) ગઠબંધનને અત્યાર સુધીમાં કોઈ આમંત્રણ મળ્યું નથી, પરંતુ આમંત્રણ મળ્યા પછી જવું કે નહીં એના અંગે વિચારણા કરવામાં આવશે. વિદેશી નેતાઓને આમંત્રણ મળ્યું છે, પરંતુ વિપક્ષના નેતાઓને આમંત્રણ મળ્યું નથી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે શપથગ્રહણ સમારંભમાં જવું કે નહીં એનો નિર્ણય ગઠબંધન લેશે.