11 વર્ષે આવશે આજે ડો. નરેન્દ્ર દાભોલકરની હત્યાના કેસનો ચુકાદો…
પુણે: અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોલકરની હત્યાના કેસનો ચુકાદો આજે એટલે કે 10મી મેના આવી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ કે અત્યાર સુધી આ કેસની તવારીખ પર એક નજર…
અત્રે ઉલ્લેખનીય છે કે 20મી ઓગસ્ટ, 2013ના રોજ પુણેના વિઠ્ઠલ રામજી શિંદે પુલ પર મોર્નિંગ વોક પર ગયેલા ડો. નરેન્દ્ર દાભોલકરની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સવારે સાત વાગ્યાની આસપાસમાં મોટર સાઈકલ પર આવેલા બે બાઈકસવારોએ તેમના પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી હતી.
પુણે પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. 2014માં આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો અને સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સરકારી વકીલ એડ. પ્રકાશ સૂર્યવંશીએ 20 જણની જુબાની નોંધી હતી.
આ પ્રકરણમાં ડો. વિરેન્દ્રસિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસ્કર, એડવોકેટ સંજીવ પુનાલેકર, વિક્રમ ભાવે સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના આઠ વર્ષ બાદ એટલે કે 2021માં પુણે સ્પેશિયલ કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી.
ડો. દાભોલકરની હત્યા કરીને અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરનારા કાર્યકર્તાઓમાં ગભરાટની લાગણી ફેલાવવાનો હેતુ હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પર 2021માં આરોપ મૂકવામાં આવ્યા હતા. અઢી વર્ષ ચાલેલા કેસ બાદ હવે આજે ચુકાદાનો દિવસ આવી પહોંચ્યો છે.
વિશેષ ન્યાયાધીશ પી. પી. જાધવની કોર્ટમાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે. આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પર IPCની કલમ 302 (હત્યા), કલમ 120 (B) ગુનાનું ષડયંત્ર રચવું અં3 આર્મ એકટની કલમ 34 હેઠળ આરોપ સાબિત કરવામાં આવ્યા છે. આ સિવાય આરોપીઓ પર યુપીએ પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં પાંચ આરોપીમાંથી સંજીવ પુનાળેકર અને વિક્રમ ભાવે હાલમાં જામીન પર બહાર છે.