Success Story: 19 વર્ષની માયરા શર્માએ નાદાર કંપનીને કરોડોના ટર્નઓવરના મૂકામે કઈ રીતે પહોંચાડી?
સફળતા માટે ક્યારેય કોઈ ઉંમરની મર્યાદા કે સરહદો પણ નડતી નથી. અમુકના કિસ્સામાં નાની ઉંમરમાં સફળતા મળે છે તો અમુક લોકોને નિવૃત્તિના આરે પહોંચ્યા પછી. નાની ઉંમરમાં સફળતા કઈ રીતે સફળતા હાંસલ કરી શકાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે ફક્ત 19 વર્ષની માયરા નીરજ શર્મા. 19 વર્ષની માયરા એવા મુકામ પર પહોંચી છે, જે સામાન્ય લોકોના નસીબમાં હોતું નથી. માયરા મલ્ટિફીટ (Multifit) નામની એક જિમ ચેન ચલાવે છે, જે જિમ ફક્ત ભારતમાં નથી, પરંતુ વિદેશમાં છે. આજે આ જિમનું ટર્નઓવર લાકોમાં નહીં પણ કરોડો રુપિયામાં છે.
વ્યક્તિગત વાત જો માયરાની કરીએ તો એક બિઝનેસ પરિવારની દીકરી છે, જ્યારે તેના માતાપિતા અને બહેન લેક્સિકન ગ્રુપ અન્વયે વિવિધ વ્યવસાયોમાં સંકળાયેલા છે, જેમાં લેક્સિકન ઈન્ટરનેશનલ સ્કૂલ, એક પ્રિસ્કૂલ ચેન, એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, સિટ્ટા નામની એક બેબી કેર બ્રાન્ડનો સમાવેશ થાય છે.

ખોટમાંથી કંપનીને નાણાકીય રીતે સદ્ધર બનાવી
માયરા ચોક્કસ બિઝનેસ પરિવારની છે, પરંતુ પોતાના વ્યવસાયમાં સફળ થવા માટે અનેક પડકારનો સામનો કરવો પડ્યો હતો. મલ્ટિફીટની સ્થાપના મૂળ 2015માં યુકેના સમી કપૂરે કરી હતી, પણ નાણાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી તો કપૂરે લેક્સિકન ગ્રુપને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. માયરાના માતાપિતા નીરજ શર્મા અને દીપ્તિ શર્માએ મલ્ટિફીટ બ્રાન્ડની કોરોનાકાળમાં ખરીદી હતી ત્યારે આ બ્રાન્ડ મોટી મુશ્કેલીમાં હતી. નુકસાનીમાંથી ઉગારવા માટે તેના માતાપિતાએ 25 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ માયરાએ કરેલી સખત મહેનતને કારણે જે રોકાણ કર્યું તેની રકમ ચાર વર્ષમાં નીકળી ગઈ હતી.
ગોલ્ડ ઓરિએન્ટેડ બિઝનેસ કરવાનો હતો અને સફળ રહ્યા
માયરા કહે છે કે અમે કોરોના મહામારી વખતે મલ્ટિફીટ ખરીદી હતી. એ વખતે મોટા પડકારો વચ્ચે જિમને બેઠી કરવાનો લક્ષ્યાંક હતો. મુશ્કેલીઓ વચ્ચે પણ કર્મચારીઓના મેનેજમેન્ટને બદલવાનો હતો અને તેના માટે રાજી કરવાનો. મનમાં નક્કી કર્યું કે આ બિઝનેસને સેટઅપ ઓરિએન્ટેડ નહીં પણ ગોલ્ડ ઓરિએન્ટેડ બિઝનેસ કરવાનો હતો અને સફળ રહ્યા.
કંપનીનું નાણાકીય ટર્નઓવર 26 કરોડ રુપિયાનું હતું
માયરાનું આ જિમ મલ્ટિફીટ વેલનેસ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટર્ડ કંપની છે. આજે મલ્ટિફીટ દુનિયાભરમાં 30 સેન્ટર છે, જેમાં એક યુકે અને યુએઈમાં છે. બાકી સમગ્ર ભારતમાં આવેલા છે, જેમાં બે મુંબઈ અને પુણેમાં છે. અમુક સેન્ટર કંપનીની માલિકીના છે, જ્યારે અમુક સેન્ટર ફ્રેન્ચાઈઝી મોડલ અન્વયે સંચાલિત છે. કંપનીના કારોબારમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી છે, જ્યારે ગયા વર્ષનું કંપનીનું નાણાકીય ટર્નઓવર 26 કરોડ રુપિયાનું હતું. 19 વર્ષની નાની ઉંમરે કારોબારને હાથમાં લીધા પછી સફળતાના મુકામ પહોંચાડવામાં માયરાનું મોટું યોગદાન રહ્યું હતું. માયરા સફળ સાહસિક મહિલાની સાથે સ્પોટર્સ ક્ષેત્રે પણ માહિર છે, તેમાંય વળી ખાસ કરીને ગોલ્ફમાં.
