બોલો, સુરતમાં ‘મુન્ના-ભાઈ-બહેન’એ ખોલ્યું કિ્લનિક, ‘ડોક્ટર’ બની સારવાર કરતા પકડાયા
સુરતઃ ગુજરાતમાં બનાવટી ગઠિયાનો રાફડો ફાટ્યો છે. સુરતમાં પોલીસે નકલી ડોક્ટરની સામે કાર્યવાહી કરતા એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. બંને જણ કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના પોતાને ડોક્ટર બતાવીને લોકોની સારવાર કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ધરપકડ કરવામાં આવેલા બનાવટી લોકોમાં એક મહિલા અને એક પુરુષ છે. મહિલા બારમી અને પુરુષ દસમા ધોરણ સુધી ભણ્યો છે.
આ કેસમાં સુરત પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. બંને પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી. આ કેસમાં સુરત પોલીસે કહ્યું હતું કે બંને ડોક્ટર બનીને લોકોની સારવાર કરતા હતા. ડીસીપી વિજય સિંહ ગુર્જરે કહ્યું હતું કે બંનેએ પોતાની ઓળખ પ્રયાગ રામચંદ્ર પ્રસાદ તથા મહિલાએ લલિતા કૃપા શંકર સિંહ તરીકે આપી છે. મહિલાએ બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
આ બંને જણ બનાવટી ડોક્ટર બનીને એલોપેથિક દવાથી લોકોની સારવાર કરતા હતા. બંનેએ ક્લિનિક પણ ખોલ્યું હતું, જ્યાંથી પોલીસે દવા પણ જપ્ત કરી છે. પોલીસે બંને પાસેથી જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ માગ્યા ત્યારે કોઈ પ્રમાણપત્ર મળ્યા નહોતા. આ કેસમાં સુરતની ઉમરા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે કાર્યવાહી કરીને બંને જણની ધરપકડ કરી છે.
આરોપી પ્રયાગ રામચંદ્ર પ્રસાદ દસમા ધોરણ સુધી ભણેલો છે, જ્યારે લલિતા બારમા ધોરણ સુધી ભણી છે. બંને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. બંનેએ એલોપેથિકની દવાથી સારવાર કરતા હતા. તેમની પાસેથી મળેલી દવા અને અન્ય ડોક્યુમેન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ બંને આરોપી કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા એ અંગે જાણકારી મળી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં બનાવટી લોકો દ્વારા છેતરપિંડીનું પ્રમાણ વધતું જાય છે, જેમાં નકલી ડોક્ટરથી લઈને ડોલર છાપવાની ફેક્ટરી પકડાતા પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.
