Good News: મુંબઈગરાને મળશે બીજો સી લિંક, બે કલાકની મુસાફરી માટે લાગશે 20 મિનિટ…
મુંબઈઃ મુંબઈગરાને ટૂંક સમયમાં જ બીજો સી લિંક મળવા જઈ રહ્યો છે, પણ એ માટે એટલિસ્ટ ચાર વર્ષની રાહ જોવી પડે એમ છે. બાંદ્રા-વર્સોવા વચ્ચે તૈયાર થઈ રહેલાં સી લિંક માટે નવી ડેડલાઈન સામે આવી છે. પહેલાં 2026માં મુંબઈગરા માટે ખુલ્લો મૂકાનારો સી લિંક હવે 2028 સુધી લંબાવવામાં આવી છે. 17 કિમીની લંબાઈના આ સી લિંક માટે કોન્ટ્રાક્ટરે નવી ડેડલાઈન આપી છે.
2018થી મુંબઈના આ બીજા સી લિંકનું કામ ચાલી રહ્યું છે. શરૂઆતથી જ આ પ્રોજેક્ટનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. 2022 સુધી આ સી લિંકનું કામ 2.5 ટકા જેટલું જ પૂરું થયું હતું. ત્યાર બાદ આ પ્રકલ્પનું કામ બીજી કંપનીને સોંપવામાં આવ્યું હતું. પણ હવે બીજી કંપનીને કામ સોંપ્યું ત્યારથી કામની પ્રગતિની ટકાવારીની વાત કરીએ તો હવે આ પ્રોજેક્ટનું 17 ટકા કામ પૂરું થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી.
સી લિંક માટેના પિલર્સ સમુદ્રમાં ઊભા કરવામાં આવ્યા છે અને બાકીનું કામ પણ ઝડપથી પૂરું કરી શકાય એ માટે કન્સ્ટ્રક્શનનું સામાન પહોંચાડવા માટે ફ્લોટિંગ ફેકટ્રી, મિક્સિંગ પ્લાન્ટ અને પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટનના કામમાં શરૂઆતથી જ વિલંબ થતાં પ્રશાસનને આ પ્રોજેક્ટની ડેડલાઈન બે વર્ષ લંબાવવાનો વારો આવ્યો છે.
પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને સી લિંક પર ચાર કનેક્ટર હશે, જેમાં બાંદ્રા, કાર્ટર રોડ, જૂહુ અને વર્સોવાનો સમાવેશ થાય છે. મુંબઈનો આ બીજો સી લિંક હોઈ તે બાંદ્રા વરલી-સી લિંકને કનેક્ટ થશે અને આગામી પ્રસ્તાવિત વર્સોવા સી લિંકને પણ કનેક્ટ કરવામાં આવશે. આ સી લિંકને કારણએ બાંદ્રાથી વર્સોવા માત્ર 20 મિનિટમાં પહોંચી શકાશે.
હાલમાં આ અંતર કાપવા માટે દોઢથી બે કલાકનો સમય લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વખત આ સી લિંક ખુલ્લો મૂકાયા બાદ મુંબઈગરાને ટ્રાફિકની સમસ્યમાંથી રાહત મળશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે. બાંદ્રા, વર્સોવા અને વરલી પરિસરમાં દરરોજના ચારથી પાંચ લાખ વાહનોની અવરજવર હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.