આ વખતે થોડો વહેલાં જ ઉનાળાનો અનુભવ કરશે મુંબઈગરા, શા માટે?
મુંબઈઃ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને દુનિયાભરમાં ખૂબ જ ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. મુંબઈગરાનો ઉત્સાહ પણ ચરમસીમાએ જ હતો. છેલ્લાં કેટલાક સમયથી મુંબઈગરા ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા હતા, પરંતુ હવે આગામી દિવસો મુંબઈ અને મુંબઈગરા માટે અઘરા રહેશે. આનું કારણ છે શહેરમાં વધી રહેલું તાપમાન.
સરેરાશ ગરમીમાં વધારો થશે
હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસો માટે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. પૂર્વ તરફથી આવતા પવનને કારણે દિવસના તાપમાનમાં વધારો થવાનો હોઈ કિનારપટ્ટીના ભાગમાં તાપમાનમાં વધારો જોવા મળશે.
સોમવારે બપોરે શહેરના સરાસરી તાપમાનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. પશ્ચિમી ઝંઝાવાત સક્રિય હોવાને કારણએ માત્ર મુંબઈ જ નહીં પણ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ઉષ્ણતામાનમાં વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે.
વહેલા ઉનાળાનું થશે આગમન
નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં શહેરમાં દિવસનું તાપમાન 34થી 36 અંશ સેલ્સિયશ સુધી પહોંચી જશે, પરંતુ રાતના સમયે તાપમાન 20 અંશ સેલ્સિયશ સુધી રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નવા વર્ષમાં મુંબઈગરાને ઉનાળો થોડો વધારે વહેલો જ અનુભવાશે.
ફરી ઠંડીનો અનુભવ થશે કે નહીં
દરમિયાન મુંબઈના તાપમાનમાં જોવા મળેલા વૃદ્ધિને કારણે પુણેમાં પણ તાપમાન 30થી 32 અંશ સેલ્સિયશની વચ્ચે જોવા મળશે, એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો ઘટી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે આ સિઝનમાં ફરી એક વખત ઠંડી અનુભવાશે કે નહીં એ જ પ્રશ્ન મુંબઈગરાને પડી રહ્યો છે.
