આવતીકાલે પણ રહેશે લોકલ ટ્રેનોના ધાંધિયા, જોઈને જ ઘરથી બહાર નીકળજો નહીંતર…
મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે એટલે કે આવતીકાલે પણ સિગ્નલ મેઈન્ટેન્સ અને ટ્રેક મેઇન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મધ્ય અને હાર્બર લાઈન પર તેમ જ પશ્ચિમ રેલવે પર આજે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ રક્ષાબંધન કે ગણેશોત્સવની તૈયારી માટે શોપિંગ પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લેજો.
મધ્ય રેલવે પર માટુંગા- મુલુંડ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ- ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનોને પોતાના નિર્ધારિત સ્ટોપેજ સિવાય સાયન અને ભાડુંપ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે, જ્યારે નાહુર, કાંજુરમાર્ગ અને વિદ્યાવિહાર સ્ટેશન પર ટ્રેનો નહીં ઊભી રહે. આ બ્લોકને કારણે તમામ લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડશે.
હાર્બર લાઈન પર વડાલા- માનખૂર્દ સ્ટેશન વચ્ચે અપ ડાઉન લાઈન પર સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અપ ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. દરમિયાન સીએસએમટીથી બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે ટ્રેન વ્યવહાર નિયમિત રહેશે. બ્લોકના સમય દરમિયાન પનવેલથી માનખૂર્દ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
વાત કરીએ પશ્ચિમ રેલવેની તો પશ્ચિમ રેલવે પર આજે રાતે 12.30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વસઈ- ભાયંદર વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વિરાર, વસઈ રોડ અને બોરીવલીથી ગોરેગાંવ વચ્ચે સ્લો લોકલ ફાસ્ટ ટ્રેક પર દોડાવવામાં આવશે. શનિવારે હાથ ધરવામાં આવનાર નાઈટ બ્લોકને કારણે રવિવારે પશ્ચિમ રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને રવિવારે બ્લોકમાંથી રાહત મળશે.
