મુંબઈમાં મેઘરાજાની Surprise Visit: લોકલ ટ્રેનોના ધાંધિયા, જનજીવન અસ્તવ્યસ્ત…
મુંબઈ : છેલ્લાં કેટલાય સમયથી હવામાન ખાતા (IMD) દ્વારા મુંબઈ, થાણા સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે અને પાલઘર સહિત વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી અનુસાર આજે બપોર પછી અચાનક જ મુંબઈ તેમ જ થાણેમાં જોરદાર પવન ફૂંકાવવાની શરૂઆત થઈ હતી અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો, જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મું
મુંબઈમાં સોમવારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડતાં 100થી વધુ લોકો ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘાટકોપર નજીક પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં પડવાથી 70થી વધુ લોકો ઈજાગ્રત જ્યારે 8ના મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે 100થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે.

આ ઉપરાંત મધ્ય રેલવે પર થાણા- મુલુંડ વચ્ચે સ્લો લાઈન પર ઓવરહેડ વાયરનો પોલ પડી જતાં સાંજે ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સ્લો લાઈન પણ અમુક સમય માટે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો જેને કારણે ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને હાલાકી ભોગવી પડી હતી.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મેન લાઇન પર થાણા- મુલુંડ વચ્ચે ટ્રેક પર OHE વાયરનો થાંભલો તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ધસારાના સમયે ટ્રેનોના ધાંધિયા પડતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાતે પણ મધ્ય રેલવે પર ટ્રેનો 30થી 40 મિનિટ સુધી મોડી પડી હતી, જેને કારણે ટ્રેનો તેમ જ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

કમોસમી વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાના છૂટાછવાયા બનાવો પણ નોંધાયા છે. દાદર, કુર્લા, માહિમ, ઘાટકોપર, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
આ સિવાય મુંબઈ મેટ્રો પર પણ આ કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. મેટ્રો રેલવેના અધિકારીને માહિતી આપતા જણાવ્યું હતું કે જોરદાર પવનને કારણે ઇલેક્ટ્રિક વાયર પર બેનર પડી જતાં અંધેરી ઇસ્ટ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઘાટકોપર સિવાય વડાલામાં બિલ્ડીંગની બહાર બનાવવામાં આવેલા લોખંડના દાદરા તૂટીને રોડ પર પડ્યા હોવાની માહિતી મળી રહી છે. મુંબઈમાં આવેલા જોરદાર તોફાન અને તોફાનને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટોને અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
