મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માતઃ ડોંબિવલીથી પંઢરપુર જતી બસ ટ્રેક્ટર સાથે ટકરાઈ, પાંચના મોત
મુંબઈઃ મુંબઈ અને પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ જણના મોત અને 40થી વધુ પ્રવાસીને ઈજા પહોંચી છે. અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર જનારા વારકરીઓ આ અકસ્માતનો ભોગ બન્યા છે.
આવતીકાલે અષાઢી એકાદશી નિમિત્તે લાખો વારકરી પંઢરપુર પગપાળા અને બસ મારફતે પહોંચશે. પંઢરપુર જનારી બસને સોમવારે મધરાતે એક વાગ્યાના સુમારે પનવેલ તાલુકાની હદમાં મુંબઈ-પુણે હાઈ-વે પર અકસ્માત નડ્યો હતો.
ડોંબિવલીથી પંઢરપુર જનારી બસમાં 54 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા. પાંચના મોત થયા છે, જ્યારે 40થી વધુ પ્રવાસીને ઈજા પહોંચી છે, જે પૈકી સાતની ગંભીર હાલત છે. અકસ્માત પછી ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તમામ પ્રવાસીઓ ડોંબિવલી નજીકના નિળજેના રહેવાસી છે. આ અકસ્માત બાદ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ અકસ્માત પછી હાઈ-વે પોલીસ દ્વારા બચાવ કામગીરી તાકીદે હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત અંગે પોલીસે વધુમાં કહ્યું હતું કે પુરપાટ બસે ટ્રેક્ટરને ટક્કર માર્યા પછી રસ્તા પરથી સંતુલન ગુમાવ્યા પછી બસ લગભગ 30થી 40 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ પ્રવાસીનાં મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક પનવેલ પાલિકાની ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, એક્સપ્રેસ-વે પર ટ્રેકટરનો પ્રતિબંધ હોવા છતાં કઈ રીતે ટ્રેક્ટરચાલકે એન્ટ્રી કરી એ સૌથી મોટો સવાલ છે. અકસ્માતનો કેસ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
