Election Day: મતદાન કેન્દ્ર પર મોબાઈલ લઈ જવાય, જાણી લો મુંબઈ પોલીસ શું કહે છે?
સુરક્ષા માટે 40,000 પોલીસના જવાનને કરવામાં આવ્યા તહેનાત
મુંબઈ: વર્તમાન સમયમાં જ્યાં જુઓ ત્યાં બસ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ની જ ચર્ચા ચાલી રહી છે. હવે આ વખતે મતદાન સમયે સુરક્ષાના પગલે મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓને પણ આ નિયમની અમલ બજાવણી કરવાનો આદેશ આપ્યો છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એકલા મુંબઈમાં જ ૨,૫૨૦ મતદાન કેન્દ્ર આવેલા છે. મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર મતદાતા મોબાઈલ કે પછી કોઈ પણ પ્રકારના વાયરલેસ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં બેનરો, લાઉડ સ્પીકર, મેગાફોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અકબર પઠાણે બુધવારના દિવસે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો.
આ આદેશો ૨૦મી મેના રોજ સવારે ૬ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી અમલમાં મુકવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા, મતદાન મથકો પર શાંતિ ભંગ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવા માટે મોબાઈલનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં લઈને મતદાનના દિવસે એટલે કે 20મી મેના દિવસે મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એવું અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.
ઉપરાંત, મતદાન વિસ્તારમાં મતદારો અને ચૂંટણી પંચના અધિકારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ અવરજવર ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે. જો તેમ કરતા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવાની ભલામણ પોલીસને આપવામાં આવી કરવામાં આવી છે.
સોમવારે મુંબઈની છ સંસદીય બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે, જેમાં દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈનો સમાવેશ થાય છે. મુંબઈ સહિત થાણે, કલ્યાણ, ભિવંડી, વાસિમ, ડિંડોરી, નાશિક, પાલઘરની બેઠકોનો સમાવેશ થાય છે, તેથી પોલીસે પણ જરુરી ગાઈડલાઈન્સ જારી કરી છે, જેથી મતદાન સંબંધિત પ્રક્રિયામાં કોઈ અવરોધ પણ ઊભો થાય નહીં તેના પ્રતિબંધાત્મક આદેશનું પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કેથી મુંબઈમાં ચૂંટણીને કારણે 40,000થી વધુ પોલીસ જવાનને સુરક્ષા માટે તહેનાત કર્યા છે. લોકસભાની ચૂંટણીના સાત તબક્કાના મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાંચમા તબક્કામાં 13 બેઠક સાથે મહારાષ્ટ્રની તમામ બેઠકનું મતદાન સંપન્ન થશે.