July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાઃ ગેંગસ્ટરનો હાથ હોવાની શંકા, વિપક્ષના નેતા સરકાર પર તૂટી પડ્યાં

Spread the love

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં શનિવારે રાતે ત્રણ અજાણ્યા લોકોએ એનસીપીના કદાવર નેતા બાબા સિદ્દીકીની હત્યા કરી છે. અજાણ્યા હુમલાખોરોએ બાંદરા ખેરવાડી સિગ્નલ ખાતે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવ પછી વધુ સારવાર અર્થે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેટ અને છાતીમાં ગોળી વાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું હોસ્પિટલમાં મોત થયું હતું.
આ બનાવમાં બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક હરિયાણા અને બીજો ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જ્યારે આ હુમલામાં કોઈ મોટા ગેંગસ્ટરનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવ અંગે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસલકરે કહ્યું કે બંને કથિત શૂટરની અટક કરવામાં આવી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ત્રણેય આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકની તપાસ ચાલુ છે. કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ શકે નહીં અને કડક કાર્યવાહી માટે મુંબઈ પોલીસને આદેશ આપવામાં આવ્યા છે.
શરદ પવાર, સુપ્રિયા સુળે અને યુબીટીના નેતાએ ઉઠાવ્યા સવાલ

આ બનાવ મુદ્દે વિપક્ષી પાર્ટી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ સત્તાધારી સરકાર પર ગંભીર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે ગઠબંધન પાર્ટીના નેતા ખુદ સુરક્ષિત નથી. એ પણ મુંબઈમાં. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ચૂંટણી પૂર્વે નેતાઓ પરના હિંસક બનાવને કારણે રાજ્યમાં સુરક્ષા પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ હુમલા મુદ્દે એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળે, શરદ પવારે સોશિયલ મીડિયા એક્સ પર સરકારની ઝાટકણી કાઢીને આ કેસની તપાસ કરવાની સાથે સરકારે પદ પરથી હટી જવા કહ્યું હતું.
3 વખત બાંદ્રા પશ્ચિમની બેઠક પરથી વિધાનસભ્ય રહી ચૂક્યા હતા
અહી તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બાબા સિદ્દીકી આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીની ગણતરી મુંબઈના લઘુમતી સમુદાયના મોટા નેતાઓમાં કરવામાં આવતી હતી. છે. તેમણે લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રની કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ તેઓ અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ રાજકારણમાં એક્ટિવ છે. બાબા સિદ્દીકી વર્ષ 1999, 2004 અને 2009માં ત્રણ વખત બાંદ્રા પશ્ચિમની બેઠક પરથી વિધાનસભ્ય રહી ચૂક્યા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારમાં પ્રધાન પણ હતા. આ ઉપરાંત, તેમણે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Mahda)ના મુંબઈ વિભાગના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું છે. બાબા સિદ્દીકીને 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા આશિષ શેલારથી હરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!