બસ ઈતના અમીર હોના હૈ: દીકરીને લિપસ્ટિક મૂકવા માતાએ ખરીદ્યું રૂ. 27 લાખનું ટચૂકડું પર્સ…
હેડિંગ વાંચીને જ આપણામાંથી મોટાભાગના લોકોની આંખો પહોળી થઈ ગઈ હશે નહીં? સાંભળવામાં અને વાંચવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે અને આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. એક મહિલાએ તેની દીકરીને હનીમૂન પર લિપસ્ટિક મૂકવા માટે 26,000 ડોલર એટલે કે આશરે 27 લાખ રૂપિયાની ટચૂકડી બેગ અપાવી હતી. ચાલો તમને જણાવીએ આ આખી ઘટના વિશે વિસ્તારથી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક મા દીકરીની જોડી જાણીતી લકઝરી બ્રાન્ડની દુકાનમાં પ્રવેશે છે. મમ્મી સેલ્સગર્લને કહે છે કે ડિસેમ્બરમાં જ મારી દીકરીના લગ્ન છે અને મને તેને બેગ લઈ આપવી છે. આ સાંભળીને સેલ્સગર્લ યુવતીને પૂછે છે કે તેને કેવી પર્સ જુએ છે? જેના જવાબમાં યુવતી કહે છે મને ઈન્ડો વેસ્ટર્ન બંને આઉટફિટ પર ચાલે એવી પર્સ જોઈએ છે. મમ્મી દીકરીને મોટી પર્સ લેવાની સલાહ આપે છે પણ આપે છે પરંતુ દીકરી મમ્મીને કહે છે કે મને હનીમૂન પર લઈ જવા માટે બેગ જોઈએ છે, જેમાં હું મારી લિપસ્ટિક મૂકી શકું. મારે બીજો કોઈ સામાન એમાં મૂકવાનો નથી.
આગળ વીડિયોમાં સેલ્સગર્લ માં દીકરીને જોડીને હર્મિસ બ્રાન્ડની નાનકડી મિની કેલી બેગ દેખાડે છે અને તેના અલગ અલગ કલર પણ બતાવે છે. આખરે દીકરી પોતાની પસંદગીની બેગ ખરીદે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર love luxury નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે શું તમે લિપસ્ટિક મૂકવા માટે 26,000 ડોલરની બેગ ખરીદશો? સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને બે લાખથી વધુ વ્યુ આવી ચૂક્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું લગ્ન પર 26,000 ડોલરનો ખર્ચો? લોકો પાસે કેટલા પૈસા છે… બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે બેગ મને પણ પસંદ છે પણ આટલા પૈસા તો ના ખર્ચાય. હું આ પૈસા કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેત. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે હું હંમેશા આ બેગ જોઉં છું, એ ખૂબ જ સુંદર છે. મને તો આટલી મોંઘી બેગ લેવાનું પોષાય જ નહીં અને જો કોઈ દિવસ શક્ય બનશે તો પણ હું આટલા પૈસા એક બેગ પર ખર્ચ કરવાનું પસંદ નહીં કરું.