અઠવાડિયાના પહેલાં જ દિવસે મુંબઈની લાઈફલાઈન ગણાતી Local Train ખોરવાઈ
મુંબઈ: અઠવાડિયાના પહેલાં જ દિવસે મધ્ય અને પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. મધ્ય રેલવે પણ કલ્યાણ નજીક સિગ્નલ ફેઈલ્યોરને કારણે તો પશ્ચિમ રેલવે પર ચર્ચગેટ સ્ટેશન નજીક ઓવરહેડ વાયર પર જેકેટ અટવાઈ જતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાની માહિતી સામે આવી રહી છે. અઠવાડિયાના પહેલાં જ દિવસે બંને લાઈન પર ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મધ્ય રેલવે પર સવારે કલ્યાણ નજીક સિગ્નલ ફેઇલ્યોરને કારણે તો બપોરના સમયે ઠાકુર્લી નજીક એન્જિન ફેઈલ થઈ જવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. બપોરના સમયે કલાકો સુધી ટ્રેનો મોડી પડતાં રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.
દરમિયાન પશ્ચિમ રેલવે પર સાંજે 4 વાગ્યાની આસપાસ ચર્ચગેટ સ્ટેશન પર ઓવરહેડ વાયર પર જેકેટ અટવાઈ પડતાં ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળી હતી.
સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર બે પર ઓએચઈ વાયર પર જેકેટ અટવાઈ પડતાં વિરાર તરફ જનારી ટ્રેનોની અવર જવર પર અસર જોવા મળી હતી.
રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જેકેટ હટાવ્યા બાદ ટ્રેનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે પર આ સમસ્યાને કારણે ટ્રેનો 10થી 15 મિનિટ મોડી દોડી રહી હોવાની માહિતી પણ રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

જોકે, આ પહેલી વખત નથી કે મુંબઈની લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું હોય, દરરોજ કોઈને કોઈ કારણસર ટ્રેનો ધસારાના સમયે 10થી 15 મિનિટ મોડી પડતી જ હોય છે, જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
