IPL-MI VS LSG: 10મી હાર સાથે મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલની સફર થઈ પૂરી
ફરી એક વાર સિઝનમાં 10 મેચ હારવાનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો મુંબઈએ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ દસમી હાર થવાથી મુંબઈ ઇન્ડિયન્સની સફર પૂરી થઈ. લખનઉ સામે 18 રનથી હારતા કુલ 14 મેચમાંથી ચારમાં જીત અને 10 મેચમાં પરાજય થવાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.
આ સિઝનમાં શરુઆતમાં ચાર મેચ જીતવામાં સફળ રહ્યું હતું, પરંતુ એના પછી ગુજરાત, હૈદરાબાદ અને રાજસ્થાને પણ હરાવ્યું હતું. 2009માં આઠ મેચમાં હાર્યું હતું, ત્યારબાદ 2014 અને 2018માં પણ આઠ-આઠ મેચ હાર્યું હતું. 2022માં દસ મેચમાં હાર્યા પછી ફરી એક વખત આઈપીએલની 2024ની સિઝનમાં 10 મેચ હારીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. હોમગ્રાઉન્ડ મુંબઈમાં સાત મેચમાંથી ત્રણ મેચ જીત્યું છે, જ્યારે ચાર હાર્યું છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ વચ્ચેની આ સિઝનની છેલ્લી મેચ વાનખેડેમાં રમાઇ હતી. ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ એ બોલિંગ લીધી હોવા છતાં કોઈ સફળતા મળી નહોતી, જેમાં પહેલી બેટીંગમાં લખનઉની ટીમે સન્માનજનક સ્કોર પાર કર્યો હતો. 20 ઓવરમાં 214 રન કરીને મુંબઈને જીતવા માટે 215 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
લખનઉ વતી નિકોલસ પુરન અને સુકાની કે એલ રાહુલે મજબૂત બેટિંગ કરતાં 200 રન પાર કરી શક્યા હતા. 215 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા આવેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે શરૂઆત સારી કરી હતી. જોકે ચોથી ઓવરમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. 3.5 ઓવરમાં મુંબઈએ 33 રન બનાવ્યા હતા. રમતમાં રોહિત શર્મા અને દેવાલ્ડ બ્રેવિસ હતા ત્યારે વરસાદને કારણે મેચને રોકવી પડી હતી.
ફરી મેચને 10.50 શરૂ કરવામાં આવી હતી પણ કોઈ ઓવર કટ કરી નહોતી. ફરી ચોથી ઓવરથી મેચ શરૂ કરી હતી વરસાદના વિઘ્ન પછી રોહિત ફટકાબાજી ચાલુ રાખી હતી, જેથી 28 બોલમાં 50 રન પુરા કર્યા હતા. જોકે સાત ઓવરમાં 67 રન કરતા ટીમ દસની રન રેટ પાર કરી શક્યું નહોતું. રોહિત સિવાય અન્ય બેટર મહત્વની ઇન્નિંગ રમી શક્યા નહોતા. રોહિત શર્મા (68 રન)ની વિકેટ પડયા પછી નમન ધીરે બાજી સંભાળી હતી. નમન ધીરે 28 બોલમાં 62 રન કર્યા હતા પણ મુંબઈને જીતાડી શક્યો નહોતો.
ગઈકાલની મેચમાં સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને રમાડવામાં આવ્યો હતા, જેને આખી સિઝન બેસાડી રાખવામાં આવ્યો હતો આજે રમાડવા છતાં ઝળકી શક્યો નહોતો. લખનઉ 18 રનથી જીતવા માટે કે એલ રાહુલ અને નિકોલસ પુરનની મહત્વની ઇન્નીંગ જવાબદાર હતી. નિકોલસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ સીઝનમાં અગાઉની મેચમાં લખનઉ જીત્યું હતું. આજની મેચમાં જસપ્રિત બુમરાહને રેસ્ટ આપ્યો હતો, જ્યારે હિટમેન રોહિત શર્માને ઇમ્પેકટ પ્લેયર રાખવામાં આવ્યો હતો. આજની મુંબઈ ઇન્ડિયન્સની હાર સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે (8 પોઇન્ટ માત્ર) રહ્યું હતું. આ સિઝનમાં સૌથી ઓછા પોઈન્ટવાળી ટીમ બની હતી.
મુંબઈ ઈન્ડિયન્સની હાર પછી સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની સાથે ટીમ પણ ટ્રોલ થઈ હતી, જ્યારે પૂર્વ કેપ્ટન અને હીટમેન રોહિત શર્માની પણ મુંબઈમાં છેલ્લી મેચ હોવાની અટકળો વહેતી થઈ હતી.
