High Alert: મુંબઈમાં આતંકવાદી હુમલાનું જોખમ, પોલીસ એલર્ટ
સંવેદનશીલ જગ્યાઓની સાથે ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈમાં આતંકવાદી હુમલાના અહેવાલને લઈ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાના આદેશ આપ્યા છે, જ્યારે ભીડવાળા વિસ્તારોમાં પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તહેવારોની સાથે આતંકવાદી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું હોવાના ઈન્પુટને લઈને આર્થિક પાટનગર મુંબઈના મોટા ભાગના ભીડવાળા વિસ્તારોની સાથે ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો.
રેલવે સ્ટેશોની સુરક્ષા વધારી
મુંબઈના ભરચક વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભૂલેશ્વર, ઝવેરી બજાર, ક્રોફર્ડ માર્કેટ સહિત અન્ય વિસ્તારોની અચાનક સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસના બંદોબસ્ત સાથે ગેરકાયદે ફેરિયાઓની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ગઈકાલે જ ઝવેરી બજારમાં ફેરિયાઓની અવરજવરને રોકવાની સાથે કાર-ટૂ-વ્હિલરની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંવેદનશીલ જગ્યાઓની સાથે મુંબઈની રેલવે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
મંદિરોની સુરક્ષા વધારી
સિદ્ધિ વિનાયક મંદિર સહિત મુમ્બા દેવી તથા અન્ય ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સિદ્ધિ વિનાયક મંદિરના પૂર્વ ટ્રસ્ટીએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીના એલર્ટ પછી પોલીસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વિજિલન્સની સુરક્ષા વધારવામાં આવી છે, જેથી દર્શન કરવા આવનારા લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં. મોટા ભાગના મંદિરોની સુરક્ષા વધારવાની સાથે કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.
તહેવારોને લઈ સાવધ રહો
નવરાત્રિ પછી દિવાળી વગેરે તહેવારોને લઈને લોકોની અવરજવરમાં વધારો થતો રહે છે, તેથી સામાન્ય રીતે લોકોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. મુંબઈમાં નવરાત્રિને લઈ ઠેરઠેર જાહેર મંડળો દ્વારા મંડપો લગાવવામાં આવે છે. મોડી રાત સુધી ગરબાપ્રેમીઓ ગરબે ઘૂમતા હોય છે, તેથી લોકોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. આતંકવાદી હુમલો થવાની દહેશતને લઈને કેન્દ્રીય એજન્સી સાથે મુંબઈ પોલીસ સતર્ક બની છે.