શેરબજારમાં આ ટેલિકોમ કંપનીના સ્ટોકે કર્યો ધમાકો, બે મહિનામાં શેરના ભાવ થયા ડબલ
મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ (એમટીએનએલ)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેમાં શુક્રવારે સ્ટોકના ભાવમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. નવ ટકા વધીને 70.44 રુપિયાની સપાટીએ રહ્યો હતો. કંપનીનો ભાવ બાવન અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચતા ઈન્વેસ્ટર પણ મોટી કમાણી કરી હતી. છેલ્લા પાંચ દિવસમાં એમટીએનએલના ભાવમાં 63 ટકાનો વધારો થયો છે. ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપનીના સ્ટોકના ભાવની તળિયાની નીચે સપાટી 19 રુપિયાની આસપાસ રહી હતી. જુલાઈ મહિનામાં સ્ટોકના ભાવમાં 68 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડના ભાવમાં પાંચ દિવસમાં 63 ટકાના ઉછાળો રહ્યો હતો. 12મી જુલાઈના ભાવ 42.76 રુપિયા હતો, જે 19 જુલાઈના 70 રુપિયાને પાર થયો છે. એ જ પ્રકારે પહેલી જુલાઈ કંપનીના સ્ટોકનો ભાવ 41.45 રુપિયા હતો. શુક્રવારે સ્ટોકમાર્કેટ બંધ થયું ત્યારે ભાવ વધીને 70.42 રુપિયાના મથાળે સ્થિર રહ્યો હતો, જ્યારે કંપનીનું માર્કેટ કેપ વધીને 4,367 કરોડની આસપાસ પહોંચ્યું છે.
એમટીએનએલના સ્ટોકમાં બે મહિનાના રોકાણમાં ડબલ ફાયદો થયો છે. 13મી મેના સ્ટોકનો ભાવ 33.50 રુપિયાનો ભાવ હતો, જ્યારે 19 જુલાઈના 70 રુપિયા પાર થયો છે. બે મહિનામાં એમટીએનએલના શેરના ભાવમાં 107 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની તુલનામાં 255 ટકાનો વધારો થયો છે, જે 2023માં સ્ટોક રેટ 19 રુપિયાથી વધીને 70 રુપિયા પાર થયો છે. એક વર્ષ પહેલા રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સને ચાર ગણો ફાયદો થયો છે.
માર્કેટમાં કંપનીના ભાવમાં હિલચાલ સાથે એમટીએનએલએ પંજાબ એન્ડ સિંધ બેંકને ચૂકવવાના 37.5 કરોડ રુપિયાના લોન રિપેમેન્ટને ડિફોલ્ટ કર્યા છે. આ અંગે શેરબજારને એમટીએનએલે જણાવ્યું હતું કે કંપનીએ પ્રિન્સિપલ લોન એમાઉન્ટના લેટેસ્ટ ઈન્સ્ટોલમેન્ટને રિપેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા છે. ઉપરાંત, કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ટેલિકોમ ઓપરેટર એમટીએનએલને બીએસએનએલ સાથે મર્જ કરવાને બદલે બીએસએનએલને સોંપવાનું પણ વિચારી રહી છે.
એમટીએનએલની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો 2023-24માં 3,303 કરોડની ખોટ થઈ હતી, જે અગાઉના વર્ષે 2,911 કરોડ હતી. કંપનીની આવક પણ 862 કરોડથી 15 ટકા ઘટીને 728 કરોડ થઈ છે. કંપનીની નાણાકીય હાલત નબળી છે, પણ સરકાર સરભર કરવાની શક્યતા છે.
