તાજ મહેલ બાદ સૌથી વધુ ફોટો ક્લિક થયા છે મુંબઈના આ રેલવે સ્ટેશનના, નામ જાણીને ચોંકી ઉઠશો…
ભારતમાં આમ તો અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે પરંતુ આ તમામ સ્થાપત્યોમાંથી તાજ મહેલની વાત જ એકદમ ન્યારી છે. હવે જો તમને કોઈ કહે તાજ મહેલ બાદ ભારતમાં જો કોઈ સ્થાપત્યના સૌથી વધુ ફોટો લેવામાં આવ્યા હોય તો તે કયું છે એ ખ્યાલ છે? આઈ નો આપણામાંથી ઘણા લોકોને આ વિશે જાણ નહીં હોય. ડોન્ટ વરી આજે તમને આ સ્ટોરીમાં એ સ્થાપત્ય વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
શું તમને ખબર છે કે મુંબઈનું એક રેલવે સ્ટેશન લોકપ્રિયતાની બાબતમાં તાજ મહેલને ટક્કર આપી રહ્યું છે? આ સ્ટેશનની મુલાકાત તમે પણ ક્યારેકને ક્યારેક તો લીધી જ હશે. મુંબઈ ફરવા આવતા ટૂરિસ્ટ અને ફોટોગ્રાફર્સમાં આ રેલવે સ્ટેશન એટલું બધું ફેમસ છે કે તે ભારતના ‘મોસ્ટ ક્લિક્ડ’ સ્થાપત્યોમાં સ્થાન પામ્યું છે.
દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામેલો આગ્રાનો તાજ મહેલ ભારતમાં સૌથી વધુ ફોટો ક્લિક કરાયેલું સ્થળ છે. તાજેતરમાં એક અંગ્રેજી વેબસાઈટના સર્વે મુજબ, વર્ષ 2024માં દુનિયાના ટોપ 12 મોસ્ટ ક્લિક્ડ સ્થળોમાં તાજ મહેલ 12મા ક્રમે છે. પરંતુ ભારતની વાત કરીએ તો, તાજ મહેલ બાદ જે સ્થળનો નંબર આવે છે તે કોઈ મહેલ કે કિલ્લો નથી, પરંતુ મુંબઈનું એક વ્યસ્ત રેલવે સ્ટેશન છે.
મુંબઈમાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) એ દુનિયાની આઠ અજાયબીઓમાંથી એક અને પ્રેમની નિશાની ગણાતા ઐતિહાસિક સ્મારક તાજ મહેલ બાદ ભારતમાં સૌથી વધુ ફોટોગ્રાફ લેવામાં આવતું સ્થાપત્ય બની ચૂક્યું છે. સ્ટેશનની આ ભવ્ય ઈમારત તેની વિક્ટોરિયન ગોથિક આર્કિટેક્ચર શૈલી માટે વિશ્વભરમાં જાણીતી છે.
સીએસએમટી રેલવે સ્ટેશન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે વાત કરીએ તો આ સ્ટેશનની સુંદરતા અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, વર્ષ 2004માં યુનેસ્કો (UNESCO) દ્વારા તેને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ જાહેર કરવામાં આવી હતી. આ સ્ટેશનનું નિર્માણ 20મી જૂન, 1887માં પૂર્ણ થયું હતું. આ અગાઉ તેને ‘વિક્ટોરિયા ટર્મિનસ’ (VT) તરીકે ઓળખવામાં આવતું હતું.
મુંબઈમાં આવેલું આ સ્ટેશન માત્ર જોવાનું સ્થળ નથી, પરંતુ મુંબઈગરાની લાઈફલાઈન છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટેશન પરથી દરરોજ અંદાજિત 30 લાખથી વધુ પ્રવાસીઓ અવરજવર કરે છે. સર જે જે કોલેજ ઓફ આર્ટ્સના પ્રિન્સિપલના જણાવ્યા અનુસાર, મુંબઈ આવતો દરેક પર્યટક પછી કે ભારતીય હોય કે વિદેશી આ સ્ટેશનની ભવ્યતાને પોતાના કેમેરામાં કેદ કર્યા વગર રહી શકતો નથી.
રાતના સમયે જ્યારે આ સ્ટેશન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે, ત્યારે તો તેને જોવાની આખી મજા જ અલગ હોય છે. આ સુંદર રેલવે સ્ટેશન કોઈ વિદેશી મહેલ જેવો લાગે છે. આ જ કારણસર સોશિયલ મીડિયા પર તાજ મહેલ પછી સીએસએમટી રેલવે સ્ટેશન સૌથી વધુ વાયરલ થતું ભારતીય સ્થાપત્ય બની ગયું છે.
