June 30, 2025
ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Spread the love

ગુજરાતના 207 જલાશયમાં 44 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ, ચોમાસા પહેલા રાજ્ય માટે રાહતજનક સ્થિતિ

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૪૪.૧૮ ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૩.૦૪ ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, 10 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪ ટકા જળ સંગ્રહ
વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪.૦૮ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૨૫ ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૩૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૮.૧૦ ટકા અને કચ્છના ૨૦ જળાશયોમાં ૨૭.૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

નલ સે જલ અભિયાનનો સરકારને થયો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમ જ રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

મોરબીના મચ્છુ-૩ જળાશયમાં હાલ ૯૧ ટકાથી વધુ પાણી ઉપલબ્ધ
આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-૩ જળાશયમાં હાલ ૯૧ ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં ૮૨ ટકાથી વધુ, રાજકોટના ભાદર-૨માં ૭૭ ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં ૭૪ ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-૨માં ૭૩ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

૭૧ જળાશય 25થી 50 ટકા વચ્ચે ભરાયેલા
જ્યારે રાજ્યના ૦૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૨૦ જળાશયો ૫૦થી ૭૦ ટકા તેમ જ ૭૧ જળાશય 25થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!