હર હર મહાદેવઃ બદ્રીનાથ-કેદારનાથમાં આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
દહેરાદૂનઃ આ વર્ષે ચારધામ યાત્રા પૈકી બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વિક્રમી શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હોવાનું જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અને જિલ્લા પોલીસ પ્રશાસનના મજબૂત સહકારને લઈને આ વખતે મોટી સંખ્યામાં ભક્તોએ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં દર્શન કર્યા હતા.
કેદારનાથમાં 1.26 લાખથી હેલિકોપ્ટરથી પહોંચ્યા
મંદિર સમિતિના અહેવાલ અનુસાર આ વર્ષે 30,87,417 ભક્તોએ બદ્રીનાથ અને કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. 17મી નવેમ્બરના રવિવારે બંદ્રીનાથ ધામમાં 11,770 ભક્તો સાથે યાત્રાધામમાં કૂલ મળીને 14.35 લાખ મુલાકાતીઓએ દર્શન કર્યા છે. 12મી મેના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. બીજી બાજુ કેદારનાથ ધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં છે. દસમી મેથી ત્રીજી નવેમ્બરની વચ્ચે કૂલ મળીને 16,52,076 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી કૂલ મળીને 1,26,393 લોકો હેલિકોપ્ટર મારફત પહોંચ્યા હતા.
હેમકુંટ સાહિબ અને લક્ષ્મણ મંદિરના પણ કર્યાં દર્શન
આ ઉપરાંત, શ્રી હેમકુંટ સાહિબ અને લોકપાલ તીર્થ શ્રી લક્ષ્મણ મંદિરના 10મી ઓક્ટોબરે દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જ્યાં લોકોએ 1,83,722 લોકોએ દર્શન કર્યાં હતા. અહીંના યાત્રાધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હોવાની એક વાત સ્પષ્ટ છે કે સરકારી વ્યવસ્થાપનમાં સુધારો થયો છે. મંદિરના મેનેજમેન્ટ વતી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોટી સખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, જેમાં જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના સહકારથી સફળતા મળી છે.
અહીં એ જણાવવાનું કે ભાઈ બીજના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં જય બાબા કેદાર અને ઓમ નમ શિવાયના નારા સાથે દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. બીજી નવેમ્બરે ગંગોત્રી ધામ, દસમી ઓક્ટોબરના લોકપાલ લક્ષ્મણ મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે 20મી નવેમ્બરે
મડમહેશ્વરના દ્વાર બંધ થશે.