હવામાન વિભાગે આપી મોટી ખુશખબર, નિર્ધારિત સમય પહેલા ચોમાસાનું થશે આગમન
નવી દિલ્હીઃ દેશભરમાં મે મહિનાના આગમન સાથે હીટ વેવની ચેતવણી સાથે હોટ સ્ટેટમાં અગનજ્વાળા ફૂંકાવવાનું ચાલુ થયું હતું. વધતા પ્રદૂષણ અને પર્યાવરણના નિકંદનને કારણે ગરમ દેશો બની રહ્યા હોવાના દાવાઓ વચ્ચે આજે હવામાન વિભાગે સૌથી મોટા રાહતના સમાચાર આપ્યા છે કે દેશમાં આ વર્ષે નિર્ધારિત સમય પહેલા ચોમાસાનું આગમન થશે.
સોમવારે અચાનક આવેલા હવામાનના પલટાને કારણે મોટી જાનહાનિનું નિર્માણ થયું. મહારાષ્ટ્રમાં મુંબઈમાં ચક્રવાત અને વરસાદને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ વચ્ચે જમ્બો હોર્ડિંગ તૂટી પડવાને કારણે મોટી જાનહાનિના સમાચાર મળ્યા હતા. એની સાથે મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ઊભું થઈ શકે એની વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં સામાન્ય રીતે પહેલી જૂનના ચોમાસું કેરળમાં આગળ વધે છે એના પછી અન્ય રાજ્યોમાં સક્રિય થાય છે. લગભગ પંદર જુલાઈ પછી સમગ્ર દેશને કવર કરી લે છે .
જોકે, એની વચ્ચે હવામાન વિભાગે આજે મોટી આગાહી કરતા કહ્યું હતું કે આ વખતે ચોમાસું સમય પહેલા સક્રિય થઈને આગમન થશે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 22મી મેથી સામાન્ય શરુઆત થાય છે પણ આ વખતે 19મી મેના દક્ષિણ અંદામાન સાગર, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં અને નિકોબાર ટાપુમાં આગળ વધવાની શક્યતા છે.
મોન્સૂન સામાન્ય રીતે પહેલી જૂનના કેરળમાં આગળ વધી છે. ત્યારબાદ ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને પંદરમી જુલાઈ સુધી સમગ્ર દેશને કવર કરે છે. આઈએમડીએ તાજેતરમાં કહ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 19મી મેની આસપાસ દક્ષિણ અંદામાનમાં સક્રિય થઈને નિકોબાર આઈલેન્ડ તરફ સક્રિય થશે. આગામી સાત દિવસ દરમિયાન હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અંદામાન ને નિકોબારના વિસ્તારોમાં તોફાન, વીજળી અને ચક્રવાતની સંભાવના રહેશે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદ, વીજળી ત્રાટકવાની સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
આઈએમડીએ કહ્યું હતું કે આગામી પાચં દિવસમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં જોરદાર પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 16મી મેથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરી હીટવેવની અસર જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ત્રણથી પાંચ ડિગ્રીમાં વધારો થઈ શકે છે.