Modi 3.0: દેશના આગામી પાંચ વર્ષની દિશા મોદીના આ ચાર સ્ટાર કેબિનેટ મિનિસ્ટર નક્કી કરશે
નવી દિલ્હીઃ મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરુ થઈ ગયો છે. રવિવારે સાંજે નરેન્દ્ર મોદી સહિત 72 પ્રધાનોએ શપથ લીધા અને 24 કલાકમાં ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. મોદી સરકારે સુરક્ષા બાબતની કેબિનેટ કમિટી (Cabinet Committee on Security)માં સામેલ ચારેય મંત્રાલયને પોતાની પાસે રાખ્યા છે, જેમાં ગૃહ, સંરક્ષણ, નાણું અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ કમિટી દેશની સુરક્ષા સંબંધિત જરુરી નિર્ણયો લે છે.

2019માં મોદી સરકારે અમિત શાહને ગૃહ મંત્રાલય, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય, એસ. જયશંકર વિદેશ પ્રધાન અને નિર્મલા સિતારમણ નાણા પ્રધાન હતા. આ ચારેય પ્રધાન પર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરીને ફરી એકવાર તેમને હવાલે આ ચારેય મંત્રાલયની કમાન સોંપી છે.
સીસીએસ દેશની સિક્યોરિટી બાબતના જરુરી નિર્ણયો લેનારી કમિટી છે. આ કમિટીના ચીફ વડા પ્રધાન હોય છે એની સાથે ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશી પ્રધાન તેના સભ્ય હોય છે. દેશની સુરક્ષા માટે જ્યારે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે આ કમિટીની મંજૂરી લેવાનું જરુરી હોય છે. આ કમિટીના નિર્ણય પથ્થર કી લકીર હોય છે. એટલે સરકારમાં કોઈ પણ આ કમિટીના નિર્ણયનો વિરોધ કરી શકતું નથી.
દેશની સુરક્ષા માટે બીજા દેશની સાથે સમજૂતી કરવાની સાથે તેમની સાથે સારા સંબંધો અથવા લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય પણ સીસીએસ કમિટી કરે છે. યુદ્ધ હોય કે દેશમાં ઊભી થનારી કોઈ કટોકટીની પરિસ્થિતિમાં આ કમિટી નિર્ણય લે છે. અન્ય કોઈ દેશ પાસેથી હથિયાર ખરીદવા કે પછી આપણા દેશ પાસેના હથિયારો અન્ય દેશની એક્સપોર્ટ કરવાની વાત કેમ ન હોય એની જવાબદારી આ કમિટી પાસે હોય છે. દેશની સિક્યોરિટી સંબંધિત કંપની-એકમો જેવા કે ડીઆરડીઓ, ઈસરો સહિત અન્ય મહત્વના વિભાગના ચીફની નિમણૂક કરવાનો નિર્ણય પણ કમિટી કરે છે. એનએસએની નિમણૂક કરવાની જવાબદારી પણ સીસીએસને હસ્તક હોય છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે 272નો આંકડો પાર કરી શકી નહીં. એટલે 240 સીટ સુધી મર્યાદિત રહી પણ ગઠબંધનના પક્ષો સાથે મળીને સરકાર બનાવી. ગઠબંધનમાં સરકાર તો બનાવી પણ આગામી પાંચ વર્ષ સુધી સાથી પક્ષો સાતે સરકાર ચલાવવા ભાજપને નમતું જોખવું પડી શકે છે. આમ છતાં ભાજપે પોતાના હસ્તક મહત્ત્વના ચાર ખાતા રાખ્યા છે, જ્યારે એના સિવાય અન્ય મહત્ત્વના રેલવે, રોડ, હવાઈ, રમતગમત, કૃષિ સહિત અન્ય ખાતા પણ પોતાની પાસે રાખ્યા છે. જોકે, દેશના આગામી પાંચ વર્ષ તો આ સીસીએસ પર વધારે મદાર રહેશે નહીં કે અન્ય મિનિસ્ટર. તેથી મોદીની કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર અને નિર્મલા સિતારમણના હાથમાં દેશનું ભાવિ છે.
