મુંબઈની લોકલ ટ્રેનમાં મોબાઈલ વિસ્ફોટ, પ્રવાસીઓમાં ખળભળાટ
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં લોકલ ટ્રેનના મહિલા પ્રવાસીના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. મોબાઈલમાં વિસ્ફોટને કારણે પ્રવાસીઓમાં અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે આ બનાવ સોમવારે બન્યો હતો.
થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે સોમવારે રાતના 8.12 વાગ્યાના સુમારે કલવા સ્ટેશને બનાવ બન્યો હતો. સીએસએમટી જનારી લોકલ ટ્રેનમાં મહિલાના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં કોઈને ઈજા પહોંચી હતી.
કંટ્રોલ રુમને મળેલી માહિતી અનુસાર આ બનાવમાં કોઈ ઈજા પહોંચી નહોતી. જોકે, વિસ્ફોટની જાણ થયા પછી પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટને કારણે લોકલ ટ્રેનમાં ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો, જ્યારે ડરના માર્યા અમુક પ્રવાસીઓ દરવાજાની દિશામાં દોડી ગયા હતા. એક પ્રવાસીએ કહ્યું હતું કે વિસ્ફોટને કારણે આખા કોચમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બનાવની જાણ પછી રેલવે પોલીસે પ્રવાસીઓને સલામત રીતે બહાર ખસેડ્યા હતા.
જોકે, જે મહિલાના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો તેની ઓળખ થઈ શકી નથી. આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બેટરીમાં ફોલ્ટ હોવાને કારણે સમસ્યા ઊભી થઈ હતી. પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે જાહેર જગ્યાએ ઈલેક્ટ્રોનિક ઉપકરણના ઉપયોગ કરતી વખતે સતર્કતા દાખવવાનું જરુરી બને છે. આ બનાવને કારણે લોકલ ટ્રેનસેવા પર કોઈ અસર થઈ નહોતી.
