મહાયુતિમાં ‘મનસે’નું ગઠબંધન નક્કી: ચૂંટણી પછી ભાજપની સાથે ચાલવાની રાજ ઠાકરેની જાહેરાત
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાજ ઠાકરેની મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) એકસાથે આવી રહી છે અને આ અંગે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ મોટી જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રની ચૂંટણીનો હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારી ચૂક્યા છે, જ્યારે ચૂંટણી પ્રચારની તૈયારી સાથે ઢંઢેરા પણ લખાઈ ચૂક્યા છે, ત્યારે મહારાષ્ટ્રના મહાગઠબંધન મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના, અજિત પવાર એનસીપી)માં વધુ એક નાના પક્ષને સાથે લઈને ચાલવાની યોજના છે. આ અંગે મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી છે ચૂંટણી પછી ભાજપના નેતૃત્વ હેઠળની સરકારનો હિસ્સો હશે.
એક ચેનલ સાથે વાતચીત કરતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મને લાગે છે કે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો હશે અને અમે સાથે હોઈશું. આ જાહેરાત પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે માહિમની સીટ માટે રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેનું સમર્થન કરીશું.
ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે કે અમિત ઠાકરેનું સમર્થન કરીશું. સીએમની ઈચ્છા હતી કે અમે અમિત ઠાકરે સામે કોઈ ઉમેદવાર ઉતારીએ નહીં, પરંતુ જો ઉમેદવાર ના ઉતાર્યો હોત તો મત શિવસેના (યુબીટી)ને ગયો હોત, તેથી અમે મેદાનમાં સદા સરવણકરને ટિકિટ આપી હતી. દરમિયાન બીજી બાજુ સદા સરવણકર પણ પીઢ નેતા હોવાથી મનસે પ્રમુખને પણ ભલામણ કરી હતી કે પોતાને તક આપે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે ફાઈનલ કોણ નોમિનેશન પાછું ખેંચે એ આગામી દિવસોમાં ખબર પડશે.
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રની ચૂંટણી 20મી નવેમ્બરે યોજવામાં આવશે. 288 વિધાનસભાની ચૂંટણી માટે એક જ તબક્કામાં ઈલેક્શન યોજવામાં આવશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામ આવશે. ઉમેદવારી પત્ર ભરવા (નોમિનેશન)ની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર હતી, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની ચોથી નવેમ્બર (સોમવાર) છે. ચોથી તારીખે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી કૂલ કેટલી સીટ પર લડશે એ ચિત્ર ક્લિયર થશે.