Mission Maharashtra: ઈલેક્શનમાં જીત માટે મોદી-શિંદે-પવારનો આ રહ્યો માસ્ટરપ્લાન
મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ઈલેક્શન કમિશને પાર પાડી, હવે બહુ અપેક્ષિત અને રાહ જોવાતી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય નેતાઓ સક્રિય બન્યા છે. હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે ત્યારે મહારાષ્ટ્ર માટે મિશન ફોર્ટી લઈને આવ્યું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મિશન લોટસ પછી એકનાથ શિંદેને ફરી મહારાષ્ટ્રના નાયક બનાવવા કમર કસવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં તત્કાલીની મહાવિકાસ આઘાડીને ઉથલાવીને ફડણવીસ-શિંદેની આગેવાનીમાં નવી સરકારનું ગઠન કર્યું હતું. લગભગ બે વર્ષના શાસન પછી નવેમ્બરમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવામાં આવશે. મહારાષ્ટ્રને જીતવા માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં એકનાથ શિંદે અને અજિત પવારને સાથે લઈને ચૂંટણી લડવામાં આવશે. ચૂંટણી લડવા માટે મિશન-40 પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી સફળતા હાંસલ થઈ શકે છે.
મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે સૌથી મોટા નિર્ણય લીધા, જેમાં રાજ્યમાં અનુસૂચિત જાતિ પંચને બંધારણીય દરજ્જો આપ્યો છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે ઓબીસી ક્રીમી લેયરની લિમિટ વધારીને પંદર લાખ રુપિયા સુધી કરવાની ભલામણ કરી હતી. હાલમાં આ મર્યાદા આઠ લાખ રુપિયા છે. બીજો એક નિર્ણય કેન્દ્રીય પછાત વર્ગ પંચે લીધો છે, જે અન્વયે મહારાષ્ટ્રની 19 ઓબીસી જાતિ અને પેટા જાતિને કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગની યાદીમાં સમાવિષ્ટ કર્યો છે. આ જાતિમાં ગુર્જર, લોધ, ડાંગરી, ભોયર વગેરેનો સમાવેશ થાય છે.
સરકારના આ નિર્ણયને કારણે અનેક જાતિઓને ફાયદો થશે, પરંતુ હવે એ વાત પણ મહત્ત્વની છે કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારના આ નિર્ણય ચૂંટણીના સમીકરણોને બદલી શકે છે. આગામી મહિનામાં યોજાનારી ચૂંટણીની તૈયારી વચ્ચે ચૂંટણી પંચ આગામી અઠવાડિયામાં ઈલેક્શનની તારીખ પણ જાહેર કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 19 જાતિનો ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ કર્યો છે, જેથી તેમની સંખ્યા લગભગ 30 સીટ પર ચૂંટણીના પરિણામો બદલી શકે છે. એ જ રીતે એક ડઝનથી વધુ સીટ પર દલિત સમુદાયના લોકો પણ સમીકરણ બદલી શકે છે. સરકારનો મિશન 40 પ્લાન તો તૈયાર થઈ ગયો છે. સરકારના આ નિર્ણય માટે ખાસ તો મરાઠા આંદોલનને પણ જવાબદાર માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠાની વસ્તી 30 ટકા છે, જ્યારે જો આ લોકો નારાજ થયા તો સરકારને નુકસાન થઈ શકે છે.