રેલવેમાં વધુ એક ટ્રેન ઉથલાવાના કારસ્તાનનો પર્દાફાશ, ટ્રેક પર મૂક્યાં 70 કિલોના સિમેન્ટ બ્લોક
એક જ દિવસે બે અલગ અલગ બનાવમાં રેલવે મોટા અકસ્માતમાંથી ઉગરી ગઈ પણ…
નવી દિલ્હીઃ રેલવેમાં વધતા અકસ્માતોથી રેલવે પ્રશાસન પરેશાન છે ત્યારે રવિવારે એક જ દિવસે બે અલગ અલગ જગ્યાએ ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સદનસીબે બંને અકસ્માત ટળી ગયા છે, પરંતુ વધતા બનાવોથી રેલવેની કામગીરી અંગે લોકોને શંકાઓ વધી રહી છે. રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સથી લઈને પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અજમેરમાં સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશનની વચ્ચે અસામાજિક તત્ત્વોએ રેલવે ટ્રેક પર 70 કિલોના બ્લોક રાખી દેતા ખળભળાટ મચી ગયો હતો. સદ્નસીબે ધ્યાન જવાથી મોટો અકસ્માત ટળી ગયો હતો, પરંતુ વધતા આ પ્રકારના બનાવોને કારણે રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. ટ્રેનની સ્પીડ એટલી હતી કે સિમેન્ટ બ્લોકને તોડીને ટ્રેન પસાર થઈ ગઈ હતી. આ બનાવ ફુલેરાથી અમદાવાદ સેક્શનમાં બન્યો હતો, જ્યારે તેની નોંધ માંગલિયાવાસ સ્ટેશને કરવામાં આવી હતી. આ પ્રકારના વધતા બનાવોથી રેલવે અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ક્યાં બન્યો બનાવ?
સરધના બાંગડ ગ્રામ સ્ટેશનની વચ્ચે અજાણ્યા લોકોએ રેલવે ટ્રેકની વચ્ચે સિમેન્ટ બ્લોક મૂકી દીધો હતો. લગભગ 70 કિલોનો સિમેન્ટ બ્લોક મૂકવાથી ટ્રેન ઉથલાવવાનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. જોકે, ટ્રેનનું એન્જિન તેને તોડીને પસાર થઈ ગયું હતું. આ કેસની નોંધ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન (ડીએફસી)ના રવિ બુંદેલા અને વિશ્વજિત દાસે માંગાલિયાવાસમાં કરાવી હતી.
અલગ અલગ ટ્રેક પર મૂક્યા બ્લોક
આ અંગે અધિકારીએ જણાવ્યું કે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મૂકેલી જગ્યાએ પહોંચ્યા પછી ખબર પડી હતી કે બ્લોકના બે ટુકડા થઈ ગયા હતા. આગળ જઈને જોયું તો વધુ એક ટુકડો ટ્રેક પર પડ્યો હતો. ટ્રેક પર બંને બ્લોકને જોઈને ટ્રેનને ઉથલાવવાની કોશિશ કરવામાં આવી છે, જે અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ પછી ડીએફસી અને આરપીએફના અધિકારી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ટ્રેક સુરક્ષિત હોવાનું જણાવાયું હતું.
કાંલિદી એક્સપ્રેસનો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે સાંજે એક ટ્રેન અકસ્માત ટળી ગયો હતો. અનવરગંજ-કાસગંજ રેલવે રુટ પર કાનપુરથી ભિવાની જઈ રહેલી કાંલિદી એક્સપ્રેસનું ડિરેલમેન્ટ થવાનું ટળી ગયું છે. રેલવે ટ્રેક પર મોટો સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું. ટ્રેનના ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. ઘટનાસ્થળેથી સિલિન્ડર સિવાય ગ્લાસની બોટલ, માચિસ અને એક શંકાસ્પદ બેગ મળી હતી, જેમાં સ્ફોટક વસ્તુ હતી. આ બનાવ અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દર મહિને બે પેસેન્જર ટ્રેન ડિરેલ
ભારતીય રેલવેના ઈતિહાસમાં આ વર્ષે સૌથી વધુ રેલવે અકસ્માત અને ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર ધ્યાનમાં આવ્યું છે. આરટીઆઈના એક અહેવાલમાં સાત જુલાઈ 2021થી 17 જૂન સુધીમાં 131 ટ્રેન અકસ્માત નોંધાયા છે, જ્યારે 92 ટ્રેન ડિરેલમેન્ટ નોંધાયા છે. આ અકસ્માતમાં 64 પેસેન્જર ટ્રેન અને 28 ગૂડસ ટ્રેનનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં દર મહિને બે પેસેન્જર ટ્રેન અને એક ગૂડ્સ ટ્રેન ડિરેલ થઈ હતી.