અમદાવાદથી ગાંધીનગર શરુ થશે મેટ્રોઃ આજે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન
ગાંધીનગર: ગુજરાતમાં જાહેર પરિવહનની નબળી હાલત હોવાને કારણે જનતાને ઝડપી અને સુલભ સેવાનો લાભ મળવાનું દુસ્વાર બન્યું છે, પરિણામે આજે પણ અંતરિયાળ જ નહિ, મહાનગરોની પ્રજાને ઝડપી ટ્રાવેલ કરવામાં હાલાકી પડી રહી છે. આ હાલાકીનો હલ કાઢતા અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી હતી. આ યોજનાને સાકાર કરવા માટે મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી ઊભી કરી હતી. આ કનેક્ટિવિટીના ભાગરુપે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે.
5,384 કરોડના ખર્ચે થશે શુભારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને મેટ્રો ટ્રેનની આજે ભેટ મળશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ કામ પાર પાડ્યું છે. આ રૂટના કોરીડોરમાં ગાંધીનગરના જેએનએલયુ, પીડીડીયુ ગિફ્ટ સિટી, રાયસણ, રાન્દેસન, ધોળાકુવા સર્કલ, ઈન્ફો સિટી અને સેક્ટર એક સહિત અન્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. બીજા તબક્કાની મેટ્રોની યોજના માટે 5,384 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મોટેરાથી ગાંધીનગરની ડાયરેક્ટ કનેક્ટિવિટી
ગુજરાત સરકાર અને ભારત સરકારના ઉપક્રમ હેઠળ અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરવામાં આવશે. મોટેરાથી ગાંધીનગર સુધીની મેટ્રોને કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, જેમાં પહેલા તબક્કામાં કોરિડોરને ગિફ્ટ સિટી ઊભો કરવામાં આવશે, જે 21 કિલોમીટરનો છે. પ્રારંભમાં ગાંધીનગરના આઠ સ્ટેશનમાં દોડાવાશે, જ્યારે આગામી દિવસોમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
વાસણાથી ગાંધીનગરની કનેક્ટિવિટી
જોકે, અમદાવાદથી ગાંધીનગર મેટ્રોની વાત કરીએ તો અમદાવાદની APMC (વાસણા-અમદાવાદ)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની 33.5 કિમીની મેટ્રો મુસાફરી માત્ર 65 મિનિટ લેશે અને તેનું ભાડું અંદાજે 35 રૂપિયા થશે. તેની સરખામણીમાં અન્ય પરિવહનની વાત કરીએ તો ટેક્સી દ્વારા મુસાફરીનો સમય 80 મિનિટ છે અને ભાડું 415 રૂપિયાથી વધુ છે. ઓટો રિક્ષામાં આ જ ભાડું 375 રૂપિયા સુધી રહેશે. આ મેટ્રો શરૂ થવાથી નોકરિયાત, વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક લોકોને પણ અવરજવર કરવામાં મદદ મળશે.
