આવતીકાલે મધ્ય રેલવે પર મેગા બ્લોક, પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત…
મુંબઈઃ મુંબઈ સબર્બન નેટવર્ક પર દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આવા આ વિશાળ રેલવે નેટવર્કના મેઈન્ટેનન્સ માટે દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આ મેગા બ્લોકના કારણે લોકલ ટ્રેનો મોડી પડશે એટલે જો તમે પણ આવતીકાલે ફરવા કે કામ માટે બહાર નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લો.
મધ્ય રેલવે પર માટુંગા અને મુલુંડ વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અપ-ડાઉન ફાસ્ટ લાઈન (Matunga-Mulund Up-Down Fast Line) પર મેગા બ્લોક હાથ ધરાશે અને એને કારણે આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ ડાઈવર્ઝનને કારણે ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાને 15 મિનિટથી 20 મિનિટ મોડી પડશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી છે.
હાર્બર લાઈન પર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સીએસએમટીથી પનવેલ, બેલાપુર, વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ રૂટ પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી કુર્લા અને પનવેલથી વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બર લાઈન પરથી પ્રવાસ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર આવતીકાલે કોઈ ડે બ્લોક હાથ નહીં ધરવામાં આવે. શનિવારે રાતે 11.30 વાગ્યાથી વહેલી સવારે 4.45 કલાક સુધી વસઈ-ભાયંદર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર નાઈટ જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ વિરાર-ભાયંદર, બોરીવલી વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.