સચિનના દોસ્તની હાલત કફોડીઃ વિનોદ કાંબલીનો વીડિયો વાઈરલ
ક્રિકેટ જગતમાં પ્રસિદ્ધિ મેળવવી અને ટકાવવી એ બંને જુદી વાત છે. ચાર દિવસ શાનદાર પ્રદર્શન કર્યા પછી લાઈમલાઈટમાં આવી જવાય, પરંતુ જે નામના મેળવી હોય એને ટકાવવાનું મુશ્કેલ છે. ભલભલા ક્રિકેટરો નામના મળ્યા પછી ખુવાર થઈ ગયા અને એ પૈકી અત્યારે ફરી એક વાર ચર્ચામાં છે સચિન તેંડુલકરનો જીગરી દોસ્ત વિનોદ કાંબલી. જીગરી અને એક જમાનામાં ક્રિકેટની દુનિયામાં સાથે એન્ટ્રી કરી અને ઓપનર કમાન સંભાળીને ભારતનું નામ પણ રોશન કર્યું હતું, પરંતુ અત્યારે કફોડી સ્થિતિનો વીડિયો વાઈરલ થયો.
આ જ વિનોદ કાંબલીને સારી એવી પ્રસિદ્ધિ મળી હતી, પરંતુ એ પચાવી શક્યો નહીં. પરિવારમાં વિખવાદ પછી ક્રાઈમ કુંડળી પાવરફુલ બની ગઈ, જ્યારે તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કાંબલી બાઈક સાથે ચાલતો જોવા મળ્યો. સ્ટેન્ડ પર રાખવામાં આવેલી બાઈકના સહારે ચાલવાની કોશિશ કરતો હતો, ત્યારપછી લોકોને મદદથી આગળ થોડું ચાલ્યો હતો.
વીડિયો વાઈરલ થયા પછી લોકોએ પણ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં એક યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું હતું કે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને હાલત ખરાબ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કાંબલી આરોગ્ય સંબંધિત બીમારીથી પીડાય છે તેમ જ ડિપ્રેશનનો શિકાર બન્યો છે. અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે વહેલી તકે સાજો થઈ જાય એવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
વિનોદ કાંબલીની ક્રિકેટની કારકિર્દીની વાત કરીએ તો ભારત વતીથી 17 ટેસ્ટ અને 104 વન-ડે મેચ રમ્યો છે. 2013માં હાર્ટ એટેકનો શિકાર તયો હતો, ત્યારબાદ પોલીસ અધિકારીએ તેને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. 2012માં વિનોદ કાંબલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ક્રિકેટમાં લેફ્ટ હેન્ડ શાનદાર બેટ્સમેન હતો, પરંતુ ખરાબ સંગતોને કારણે ભારતીય ટીમમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.
કહેવાય છે કે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી સારા દોસ્ત છે, જ્યારે બંનેના ગુરુ પણ એક હતા. આર્થિક પરિસ્થિતિ ખરાબ થયા પછી તેનો દોષ સચિન પર ઢોળ્યો હતો, ત્યારબાદ બંને વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. આ સંબંધોમાં ખટરાગ ઊભો થયા પછી પણ વિનોદ કાંબલીએ સચિનની માફી માગીને બંને વચ્ચેના મતભેદોને પણ દૂર કર્યા હતા.