મુંબઈમાં રિક્ષાના ભાડાંને લઈ વિવાદ થયો, સાથીદારે દોસ્તને મારી નાખ્યો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ઓટોરિક્ષાનું ભાડું આપવાના કિસ્સામાં વિવાદ થયો અને આ વિવાદ વકર્યા પછી તેનું પરિણામ પણ ઘાતક નિવડ્યું. સોમવારે મુંબઈના કુર્લામાં ઓટોરિક્ષાના ભાડાને લઈ બે લોકોમાં વિવાદ થયો અને આ વિવાદ એટલો બધો વકરી ગયો કે એક યુવકે બીજાની હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યાનુસાર કપડાંની ફેક્ટરીમાં કામ કરનારા બે યુવાન વચ્ચે રિક્ષાનું ભાડું આપવા મુદ્દે વિવાદ થયો હતો, ત્યાર બાદ 28 વર્ષના યુવકે તેના સાથીદારની હત્યા કરી નાખી હતી. ધમની એલબીએસ રોડ પર બનેલા બનાવમાં મૃતકની ઓળખ છક્કન અલી તરીકે કરવામાં આવી છે. કહેવાય છે કે બંને વચ્ચે માત્ર પચ્ચીસ રુપિયાના ભાડાંને લઈ વિવાદ થયો હતો, જેમાં આરોપીએ તેની સાથે ફેક્ટરીમાં કામ કરનારા સાથીદારની ઘાતકી રીતે હત્યા કરી હતી.
અહીંના વિસ્તારનું સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પછી મૃતક યુવક પણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે, જ્યારે બીજી બાજુ મુંબઈ પોલીસે હત્યાના આરોપીની ઓળખ કરી છે. એક જ ફેક્ટરીના યુનિટમાં કામ કરનારા સૈફ જાહિદ અલીએ તેના સાથી પર હુમલો કર્યો હતો. આ બનાવની તપાસમાં પોલીસે ગઈકાલે સાંજે કલ્યાણ રેલવે સ્ટેશનથી આરોપી સૈફ અલીને પકડી લીધો હતો. બંને વચ્ચે રિક્ષાના ભાડાંને લઈ ઝઘડો થયો હતો, ત્યારબાદ સૈફ અલીએ છક્કન અલી પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે વધુ કાર્યવાહી કરવા માટે કુર્લા પોલીસને કેસ સોંપ્યો છે. હત્યાના આરોપમાં આરોપીની આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે ચાર દિવસ પહેલા નવી મુંબઈમાં તળાવના કિનારે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલા છેલ્લે પોતાના પુરુષ મિત્રની સાથે સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. મહિલાની ઓળખ ભાવિકા મોરે તરીકે કરવામાં આવી હતી, જ્યારે તેની હત્યા કરી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી, જેમાં પહેલો શક તેના પુરુષ મિત્ર પર જાય છે. આમ છતાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.
