મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને મેળવો ભગવાન વિષ્ણુની કૃપા…
આજે દેશભરમાં ધામધૂમથી મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉતરાયણનો તહેવાર હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વનો ગણાય છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરે છે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દિવસે કરેલું દાન અક્ષય પુણ્ય અપાવે છે. એમાં પણ જો આ દાન તમારી રાશિ મુજબ કરવામાં આવે, તો તેનું ફળ અનેકગણું વધી જાય છે અને સાથે સાથે જ ગ્રહદોષોમાંથી મુક્તિ મળે છે.
આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ કે મકર સંક્રાંતિના દિવસે તમારે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
મેષ: મેષ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ મકર સંક્રાંતિ પર ગોળ, લાલ કપડાં અને મસૂરની દાળનું દાન કરવું જોઈએ. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
વૃષભ: વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. વૃષભ રાશિના લોકોએ સફેદ તલ, સાકર, દૂધ કે ચાંદીનું દાન કરવું જોઈએ. આ દાનથી જીવનમાં સુખ-સુવિધા અને શાંતિ વધે છે.
મિથુન: બુધ સ્વામી હોવાથી આ રાશિના જાતકોએ લીલા મગ, લીલા કપડાં અથવા ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
કર્ક: કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. મકર સંક્રાંતિ પર ચોખા, સાકર અને સફેદ તલનું દાન કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
સિંહ: સૂર્ય આ રાશિનો સ્વામી છે. સિંહ રાશિના લોકોએ તાંબાનું પાત્ર, લાલ ચંદન કે ઘઉંનું દાન કરવું જોઈએ. આનાથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
કન્યા: કન્યા રાશિના જાતકોએ લીલા મગની દાળ, મગફળી અને ગરીબોને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આનાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.
તુલા: તુલા રાશિના લોકોએ તલના તેલ, રૂ (કોટન) અને સફેદ મિઠાઈનું દાન કરવું જોઈએ. તેનાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.
વૃશ્ચિક: આ રાશિના લોકોએ ગોળ, લાલ વસ્ત્રો અને ખીચડીનું દાન કરવું જોઈએ. આનાથી શત્રુઓ પર વિજય મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
ધન: ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. પરિણામે આ દિવસે ચણાની દાળ, હળદર અને પીળા વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
મકર: મકર સંક્રાંતિ પર મકર રાશિમાં જ સૂર્ય ગોચર કરશે. મકર રાશિના લોકોએ કાળા તલ, ધાબળા અને તેલનું દાન કરવું જોઈએ. આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
કુંભ: કુંભ રાશિના જાતકોએ કાળા અડદની દાળ, કાળા કપડાં અને જૂતા-ચંપલનું દાન જરૂરિયાતમંદોને કરવું જોઈએ. આનાથી કષ્ટ દૂર થાય છે.
મીન: મીન રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે કેસર, રેશમી વસ્ત્રો તેમ જ મધનું દાન કરવું જોઈએ. આનાથી ભાગ્યોદય થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે.
