મહારાષ્ટ્રમાં ઈલેક્શન જાહેર પણ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં સીટ-શેરિંગના કોઈ ઠેકાણા નથી, જાણો કેમ?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની સીટ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર) ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ સીટ 105 જીત્યું હતું, જ્યારે આ વખતે મહાયુતિના દમ પર ચૂંટણીના મેદાનમાં ઉતરશે. હજુ પણ સીટ શેરિંગની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે મહાયુતિમાં લગભગ તૈયારીઓ પણ પૂરી કરી લેવામાં આવી હોવાનો દાવો છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીના 103 વિધાનસભ્ય છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાના 40 અને એનસીપી પાસે 43 વિધાનસભ્ય છે. બીજી બાજુ મહાવિકાસ આઘાડીમાં પણ કોંગ્રેસને મોટા ભાઈ બનવાની ફિરાકમાં છે, તેથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એનસીપીમાં પરસપર ખેંચાખેંચી છે. આજ યા કાલમાં આ મુદ્દે નક્કર નિર્ણય લેવામાં આવે તો નવાઈ નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મહાયુતિમાં ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તાધારી પાર્ટી સાથે ગઠબંધનમાં મહત્ત્વની ભૂમિકામા છે, જ્યારે સૌથી વધુ સીટ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે, ત્યારબાદ શિવસેના અને એનસીપીના ઉમેદવારો ચૂંટણીમાં લડશે. એનડીએ અમુક સીટ પોતાની સહયોગી પાર્ટીને પણ આપી શકે છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 288 બેઠક પર 20મી નવેમ્બરે ચૂંટણી રહેશે, જ્યારે 23મી નવેમ્બરે પરિણામો આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 155થી 160થી સીટ પર ચૂંટણી લડી શકે છે. શિવસેના 90થી 95 બેઠક માગી રહી છે, જ્યારે એનસીપીએ 50 સીટ પર દાવો કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પાર્ટીનું કહેવું છે કે ભાજપ બહુ ટૂંક સમયમાં સીટ શેરિંગ મુદ્દે જાહેરાત કરશે. આ મુદ્દે સીઈસી બેઠકમાં 100થી વધુ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે.
મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસને કોણ આપે ટક્કર
બીજી બાજુ મહાવિકાસ આઘાડીમાં પણ કોંગ્રેસ જોશમાં છે. લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા પછી હવે મહત્તમ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયાર છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીમાં ખેંચતાણ હોવાથી હજુ સુધી સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવી નથી. મહાવિકાસ આઘાડીમાં ગઠબંધન ટકી રહે એના માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓને પણ સલાહ આપી છે કે ઓવર કોન્ફિડન્સમાં રહેવું નહીં અને હરિયાણાના પરિણામોનું પુનરાવર્તન કરવું નહીં.