વરસાદને કારણે મહારાષ્ટ્રનું ગોંદિયા ડૂબ્યુંઃ એકનું મોત, ડ્રાઈવરની સાથે ટેન્કર પણ તણાયું
ઉત્તર, મધ્ય ભારતમાં વરસાદે કહેર વર્તાવ્યા પછી હજુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી થવાનું ચાલુ છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ભારે વરસાદ સાથે વાદળ ફાટવાને કારણે જિલ્લાના અનેક શહેર-ગામ પાણીમાં ગરકાવ થયા હતા. જિલ્લામાં એક દિવસમાં 240 મિલિમીટરથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેનાથી સામાન્ય જનજીવન પર અસર પડી હતી. ગોંદિયા જિલ્લામાં ભારે વરસાદને કારણે આજે સ્કૂલ કોલેજમાં જાહેર રજા આપવામાં આવી હતી.
ટેન્કરચાલકે સાહસ કર્યું તો તણાયો
શહેર-ગામને જોડનારા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે ગામડાઓનો સંપર્ક તૂટ્યો હતો. પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે મહારાષ્ટ્ર-છત્તીસગઢને જોડનારો નેશનલ હાઈ-વે છ ખાતેની દેવરી પોસ્ટ આખી પાણીમાં ગરકાવ થઈ હતી, જ્યાં વાઘ નદીના પુલ પર ચાર ફૂટ પાણી ફરી વળતા એક ટેન્કર ડૂબ્યું હતું. ટેન્કરચાલકે પુલ પાર કરવાની કોશિશ કરતા પાણીમાં તણાયો હતો.
હોસ્પિટલનો ગ્રાઉન્ડ ફ્લોર ડૂબ્યો
ગોંદિયાના શહેરો અને ગામડાના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા, જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારની ઈમારતો-સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું હતું. ગોંદિયા શહેરની રાણી અવંતી ચૌક, ન્યૂ લક્ષ્મીનગર, બેંક કોલોની કુડવા, ગણેશ નગર, સેલ ટેક્સ કોલોની, સંતાજી નગર વગેરે વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા, જેનાથી લોકોની મુશ્કેલી વધી હતી.
રિંગ રોડ સ્થિત રાણી અવંતી બાઈ ચૌકનો વિસ્તાર જળમગ્ન બન્યો હતો, જ્યારે ખાનગી હોસ્પિટલનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો હતો, પરિણામે અનેક દર્દીઓ અને તેના સંબંધીઓ પર આફત આવી પડી હતી.
ઈમારત તૂટતા દીકરાનું મોત, માતા ગુમ, પિતા બચ્યા
શહેરના ફુલચુર વિસ્તારની રામેશ્વર કોલોની નજીક બે માળની ઈમારત ભૂસ્ખલનને કારણે ધરાશાયી થયું હતું. ગોંદિયા ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે સવારે છ વાગ્યાના સુમારે બિલ્ડિંગ તૂટી પડ્યું હતું. આ બનાવ પછી અસરગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં એક 30 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે માતા ગુમ છે. કામકાજને કારણે યુવકના પિતાજી બહાર ગયા હોવાથી બી ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જિલ્લાના દેવરી, અર્જુની, મોરગાંવ, આમગાંવ, સાલેકસા, તિરોડા, ગોંદિયા તાલુકાના દરેક ગામ પર વરસાદને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.