February 20, 2026
મહારાષ્ટ્રમુંબઈ

Maharashtra Budget: આજે સરકાર બજેટમાં મતદારને રિઝવવા લોભામણી જાહેરાત કરી શકે

Spread the love

મુંબઈ: ગઈકાલથી ચાલુ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો અને આજે બીજા દિવસે રાજ્ય સરકાર સત્રમાં બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે આ બજેટમાં શું શું ઘોષણા કરવામાં આવે છે એ તરફ બધાની નજર છે. દરમિયાન આજે એક તરફ મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે વિધાનસભામાં પણ બજેટ રજૂ કરતી વખતે સરકાર યોજના અને ઘોષણાઓનો વરસાદ કરશે એવી આગાહી રાજકીય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.
આજે બપોરે બે વાગ્યે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Dy. CM Ajit Pawar) રાજ્યનું નાણાકીય બજેટ રજૂ કરશે. દરમિયાન આજે રજૂ થનારું બજેટ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીલક્ષી હશે. આ બજેટમાં મતદાર રાજાઓને રીઝવવા માટે ઘોષણાનો વરસાદ કરવામાં આવશે.
મળી રહેલી માહિતી અનુસાર મધ્ય પ્રદેશની જેમ જ મહારાષ્ટ્રમાં પણ લાડકી બહીણ યોજના લાગુ કરવામાં આવશે. છોકરીઓને ફ્રી હાયર એજ્યુકેશન આપવાથી લઈને બેરોજગારો માટે વિવિધ યોજનાઓની જાહેરાત આજે બજેટમાં કરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
બપોરે એક વાગ્યે મંત્રીમંડળની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને ત્યાર બાદ બે વાગ્યે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવાર બજેટ રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને ધાર્યા પરિણામ ના મળ્યા હોવાથી આ વખતના બજેટમાં મતદારરાજાને રિઝવવામાં સરકાર કોઈ કસર બાકી નહીં રાખે અને વિવિધ વર્ગના લોકો માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં મરાઠા, ઓબીસી, ધનગર, પછાત વર્ગના લોકોને પણ સરકાર આ બજેટમાં છુટ્ટા હાથે લહાણી કરે એવી માહિતી સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!