મહાકુંભનો શુભારંભઃ 60 લાખથી વધુ શ્રદ્ધાળુએ લગાવી આસ્થાની ડૂબકી
આવતીકાલે રહેશે પહેલું શાહી સ્નાન, પીએમ મોદીએ ભક્તોનું કર્યું સ્વાગત
પ્રયાગરાજઃ 144 વર્ષ પછી આજથી શરુ થયેલા મહાકુંભ મેળામાં ભારતના કરોડો શ્રદ્ધાળુઓ પહોંચવાની સાથે વિદેશી ભક્તો પણ આવવાની શરુઆત થઈ છે. જાણીતી સેલિબ્રિટીઝની સાથે ભારતીય ભક્તોએ આજથી આસ્થાની ડૂબકી લગાવવાની શરુઆત કરી હતી. સંગમ તટ પર શ્રદ્ધાળુઓની સાથે સાથે સાધુસંતો અને સન્યાસીઓની વિશાળ જનમેદની જોવા મળી હતી. 144 વર્ષે દુર્લભ સંયોગ સર્જાતો હોવાથી આ વર્ષે આજથી લઈને આગામી 26 ફેબ્રુઆરી સુધી ભક્તો આવશે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આવતીકાલે 14 જાન્યુઆરીના એટલે મકર સંક્રાંતિના કરવામાં આવશે.
મહાકુંભમાં સામેલ થવા માટે દુનિયાભરમાંથી લોકો આવ્યા છે, જેમાં રશિયા, બ્રાઝિલ, અમેરિકા, યુરોપના લોકોનો સમાવેશ થાય છે. એક રશિયન નાગરિક મહાકુંભના સ્થળે આવીને કહ્યું હતું કે મેરા ભારત મહાન. અમે પહેલી વખત કુંભના મેળામાં આવ્યા છે. અહીં અમને અસલી ભારત જોવા મળ્યું છે. અહીંના પવિત્ર સ્થળની ઊર્જાના સંચારથી હું ધન્ય થઈ છું. મને ભારતથી પ્રેમ છે. સંગમ તટ પર ડૂબકી લગાવનારા અન્ય એક બ્રાઝિલના નાગરિકે કહ્યું હતું કે હું રેગ્યુલર યોગ કરું છું. આધ્યાત્મિક જગતનું હૃદય ભારત દેશ છે. પાણી ઠંડુ છે, પરંતુ હાર્ટ એકદમ ઊર્જાથી સભર છે. દક્ષિણ આફ્રિકાના એક પર્યટકે કહ્યું હતું કે અહીંનો માહોલ અદ્ભૂત છે. રસ્તા સાફ-સફાઈવાળા છે, જ્યારે લોકો મિલનસાર છે. અમે પણ લોકો સનાતન ધર્મનું પાલન કરીએ છીએ અને એનો દિવ્ય અનુભવ અમને થઈ રહ્યો છે. આજે સવાર સુધીમાં લગભગ 60 લાખ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
દરમિયાન સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ પણ કુંભમાં ભાગ લેવા પહોંચ્યા છે, જે કમલા બનીને આવતીકાલે શાહી સ્નાન કરશે.
મહાકુંભમાં ભારતમાંથી તો કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભના સ્થળે આવશે, પરંતુ વિદેશમાંથી લગભગ પંદર લાખથી વધુ વિદેશી પર્યટક આવવાની અપેક્ષા છે. વિદેશી પર્યટકોને પણ ભારતની સંસ્કૃતિ અને આસ્થા પ્રત્યે વિશેષ સન્માન ધરાવે છે, એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું. આજથી શરુ થયેલા મહાકુંભની શરુઆત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને વધાવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે પૌષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે આજથી પ્રયાગરાજની પુણ્યભૂમિ પર મહાકુંભનો શુભારંભ થયો છે. અમારી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ અવસર પર હું તમામ શ્રદ્ધાળુઓને વંદન અને સ્વાગત કરું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાનો મહાઉત્સવ તમામ લોકોના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એવી અભ્યર્થના.