LPG સંકટ: ગુજરાત-રાજસ્થાનમાં ફેક્ટરીઓ ઠપ્પ, શ્રમિકોનું મોટાપાયે પલાયન
મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર: મોરબી, સુરત અને જયપુરમાં ઉદ્યોગો બંધ થતા રોજગારીનું સંકટ ઘેરાયું
મિડલ ઈસ્ટમાં જારી જંગની અસર હવે વિકસિત રાજ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે, તેમાંય વળી માર્ચ-એપ્રિલ-મેમાં વેકેશનનો સમયગાળો હોવાથી મજૂરોનું સ્થળાંતરણ વધ્યું છે. યુદ્ધને કારણે સુરત-રાજકોટ જેવા મહાનગરોની ફેક્ટરીમાં તાળાબંધીને કારણે શ્રમિકોના બે ટંક ખાવાની મુશ્કેલી પડી રહી છે, તેથી મોટા ભાગના શહેરોમાંથી પલાયન થઈ રહ્યું છે.
મોરબી-સુરતમાં સૌથી મોટો ફટકો
અમદાવાદ-સુરત-મુંબઈમાં ફેક્ટરી બંધ થવાને કારણે શ્રમિકો સ્થળાંતરણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મોરબીમાં ટાઈલ્સની ફેક્ટરીઓ હંગામી બંધ થવાને કારણે શ્રમિકો માદરે વતન જવા મજબૂર બન્યા છે. મજૂરોનું કહેવું છે કે અહીં રહીને હાલ કમાણી કરવાનું મુશ્કેલ બન્યું છે. શહેરમાં રહેવાનું બેકાર છે. સરકાર દાવા કરે છે, પરંતુ હાલાત ગંભીર છે.
ખાડી દેશોમાં વધતા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાંથી પણ ભારતીય ભારત પરત ફરી રહ્યા છે, પરંતુ ભારતમાં કાપડથી લઈને સિરામિક અને માર્બલ કંપનીઓમાં એલપીજીનું સંકટ ઘેરાયું છે. કંપનીઓને મળતા એલપીજી સપ્લાય બંધ હોવાથી ઈન્ડસ્ટ્રિયલ સપ્લાય ચેઈન પર સંકટ વધ્યું છે. ફેક્ટરીઓ બંધ થવાને કારણે અનેક શહેરોમાં ઓટોમેટિક બંધ અને કોરોના જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જે મજૂરો રહ્યા છે તેમના જીવનનિર્વાહના પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
જયપુરમાં બોરોસિલ ફેક્ટરી બંધ
અજમેર-સિયાલદહ જેવી લાંબા અંતરની ટ્રેન જયપુર સ્ટેશન પર ત્રણ વખત રોકવામાં આવી હતી. ટ્રેનમાં જનારો મોટો વર્ગ હોવાથી મજૂરો મારામારી પર ઉતરી આવ્યા હતા. કહેવાય છે કે જયપુર નજીકની બોરોસિલ ફેક્ટરી બંધ થવાને કારણે મોટા ભાગના મજૂરો ઘરે જઈ રહ્યા હતા, ત્યારે લડાઈ થઈ ગઈ હતી. એવો જ હાલ અજમેર-કિશનગંજ ગરીબ નવાઝ એક્સપ્રેસના પણ બેહાલ થયા હતા. ટ્રેનમાં ચઢતી વખતે પ્રવાસીઓ એકબીજાની મારપીટ ઉતરી આવ્યા હતા.
મુંબઈની હાલત પણ કફોડી
દેશની આર્થિક રાજધાની મુંબઈ પર પણ અસર પડી છે. મુંબઈના ડબ્બાવાળાએ પણ એક અઠવાડિયા સુધી ટિફિન વ્યવસ્થા કરવાની મનાઈ કરી હતી. કટોકટીનો ફાયદો ઉઠાવીને સિલિન્ડરના 1,000 રુપિયાના હવે 2,500થી 3,000 વસૂલવા લાગ્યા છે. વધારે પૈસા આપ્યા પછી પણ સિલિન્ડર મળવાની પણ ગેરન્ટી હોતી નથી. સૌથી મોટા ટર્મિનસ એલટીટી ખાતે લોકો પોતાના વતન જઈ રહ્યા છે, જેમાં લોકો વેકેશનને કારણે નહીં, પરંતુ પેટિયું રળવા પૈસા નહીં હોવાથી મજબૂરીથી ઘરે જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઘરે પાછા ફરી રહેલા લોકોએ કહ્યું હતું કે યુદ્ધ ઈરાન-અમેરિકા વચ્ચે છે, પણ ભોગ ભારતીયોનું બનવું પડે છે એ મોટી લાચારી છે.
