ટેરિફના ટેન્શન વચ્ચે રાહત: આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, કોને ફાયદો થશે
હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે ખુશખબરી, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત
નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર આજથી આયાતજકાત એટલે 25 ટકા ટેરિફ લાદવાના અહેવાલ છે, જ્યારે તેલ કંપની પણ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કર્યાના અહેવાલથી ઓઈલ કંપનીઓ લાઈમલાઈટમાં છે, ત્યારે હવે તેલ કંપનીઓએ 31 જુલાઈએ મોડી રાત્રે મહત્ત્વના સમાચાર આપ્યા છે. સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તેમણે થોડા કલાકો પહેલા જ જાહેરાત કરીને લોકોને ખુશ કર્યા. ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવો ભાવ વધારો આજથી લોકોને સસ્તા સિલિન્ડર મળશે. જોકે, આનાથી તમારા રસોડાના બચતમાં કોઈ ફાયદો થશે નહીં.
આજથી ગેસ સિલિન્ડર સસ્તો
નવા ઘટાડા પછી પશ્ચિમ બંગાળના કોલકાતામાં 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 1,769 રુપિયાથી ઘટીને 1,735 થશે. મહારાષ્ટ્રના મુંબઈમાં 1,161 રુપિયાથી ઘટીને 1,583 રુપિયા થશે, જ્યારે ચેન્નઈમાં 1,790 રુપિયા થશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એટલે કે ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરીને ૩૩.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવ આજથી ઘટશે. જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો લાગુ થયા બાદ, દિલ્હીમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧ ઓગસ્ટથી ઘટીને ૧૬૩૧.૫૦ રૂપિયા થઈ જશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ૧ ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ૭ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ ૧ એપ્રિલે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ કમર્શિયલ એલપીજીના ભાવમાં પણ ૫૮.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર લોકોને એલપીજીના ભાવ ઘટાડીને રાહત આપવામાં આવી છે.
તેલ કંપનીઓએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને કરને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, તમને આ ઘટાડાનો લાભ મળશે નહીં કારણ કે ઘરેલુ સિલિન્ડર એટલે કે 14.2 કિલોગ્રામના સિલિન્ડર જે તમારા રસોડામાં ઉપયોગમાં લેવાય છે તેની કિંમત યથાવત રાખવામાં આવી છે, 19 કિલોગ્રામના સિલિન્ડરનો ઉપયોગ હોટલ અને કેટરિંગમાં થાય છે. એટલે કે, રેસ્ટોરન્ટ અને હોટેલ વ્યવસાયીઓને આ ઘટાડાનો લાભ મળશે.
