Modiને શેરબજારની સલામી, સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી ઊંચી છલાંગ
સ્ટોકમાર્કેટમાં તેજીનું વલણ, આવતીકાલની ચૂંટણીના પરિણામો પર નજર
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે ત્યારે માર્કેટમાં ખૂલતા મથાળે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 2,000 પોઈન્ટથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 23,000 પોઈન્ટથી પાર થઈ હતી.
પરિણામો પહેલા એક્ઝિટ પોલની આગાહીને કારણે માર્કેટમાં બાઉન્સબેક જોવા મળી રહ્યો છે. આ અગાઉ માર્કેટમાં લેવાલી રહી હતી, જ્યારે હવે પરિણામોને કારણે માર્કેટમાં ફરી લેવાલીનું પ્રમાણ રહી શકે છે. આજે સવારના ખૂલતા સ્ટોકમાર્કેટ બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)નો સેન્સેક્સ સીધો 76,583 પોઈન્ટે ખૂલ્યો હતો. અગાઉ માર્કેટ 73,961 પોઈન્ટે હતું. અમુક શેરમાં દસ ટકાથી વધુ ઉછાળો રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરમાં તમામ ગ્રીન ઝોનમાં હતા, જેમાં સૌથી વધુ પાવર ગ્રીડના શેરમાં જોવા મળી હતી. પાવર ગ્રિડમાં 6.5 ટકાનો ઉછાળો રહ્યો હતો. આ ઉપરાંત, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, લાર્સન, ઈન્ડસઈંડ બેંકમાં જોરદાર તેજી હતી. આ ઉપરાંત, રેલવેના શેરમાં લેવાલી રહી હતી, જેમાં આઈઆરએફસી, આઈઆરઈડીએ, આરવીએનએલ, ટીટાગઢ રેલ સિસ્ટમ્સ વગેરેમાં સુધારો રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 23,000 પોઈન્ટને પાર રહ્યો હતો. અગાઉના બંધ મથાળેથી નિફ્ટી આજે સવારમાં 23,337.90 પોઈન્ટે ખૂલ્યો હતો, જ્યારે અગાઉ 22,530 પોઈન્ટે હતો. નિફ્ટીમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો હતો. માર્કેટના તમામ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. આજે તો માર્કેટમાં તેજી રહી છે, પરંતુ આવતીકાલે પણ માર્કેટમાં તેજી રહે તો નવાઈ નહીં.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર કરવામાં આવશે, જ્યારે શનિવારે સાંજે એક્ઝિટ પોલના સર્વે બહાર આવ્યા હતા. 10થી વધુ એજન્સીએ એનડીએ ફરી બહુમતી સાથે સરકાર બનાવે એવું તારણ લગાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ત્રીજી વખત સત્તામાં આવે એવા વર્તારાને લઈને આજે માર્કેટે સલામી આપી હોય, એમ માર્કેટના વર્તુળોએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ માર્કેટના રોકાણકારોને ટિપ આપતા કહ્યું હતું કે ચોથી તારીખના માર્કેટ રેકોર્ડ લેવલ પર જઈ શકે છે. આ દાવા પછી આજે ત્રીજી તારીખે માર્કેટમાં જોરદાર તેજી આવી હતી.