Election: 2019ની તુલનામાં 2024માં અઢી કરોડ વધારે વોટ મળ્યાં, ટકા ઘટ્યા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવાની ચૂંટણી પંચની જાહેરાત પછી આજે અમુક રાજ્યમાં હિંસાના માહોલ વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા પાર પડી છે. 2019ની તુલનામાં પહેલા ત્રણ તબક્કામાં ઓછું મતદાન થયું હતું. ચોથા-પાંચમા તબક્કામાં મતદાનમાં વધારો થયો હતો. 2019ની તુલનામાં 2024માં છ તબક્કા સુધી અઢી કરોડ લોકોએ વધારે મતદાન નોંધાયું છે, જ્યારે સાતમા તબક્કાના છેલ્લા આંકડા આવવાના બાકી છે.
પહેલા તબક્કા દરમિયાન 102 બેઠક પર મતદાન થયું હતું, જ્યારે 11 કરોડ લોકોએ મતદાન કર્યું. 2019માં 11.1 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. બીજા તબક્કા દરમિયાન 88 બેઠક પર 10.41 કરોડ લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે 2024માં આ વર્ષે 10.58 કરોડ લોકોએ મતદાન કર્યું છે. ત્રીજા તબક્કાની 93 બેઠક પર 11.32 કરોડ લોકોએ મતદાન કર્યું છે, જ્યારે 2019માં 10.65 કરોડ મતદારે વોટિંગ કર્યું હતું.
ચોથા અને પાંચમા તબક્કા દરમિયાન અનુક્રમે 96 અને 49 બેઠકનું મતદાન યોજવામાં આવ્યું હતું. આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કામાં સૌથી વધુ 12.24 કરોડ મતદારે મતદાન કર્યું છે, જ્યારે અગાઉની લોકસભાની ચૂંટણીમાં 11.33 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. પાંચમા તબક્કામાં 49 બેઠક પર 5.57 કરોડ લોકોએ મતદાન કર્યું છે, જ્યારે અગાઉની લોકસભાની ચૂંટણીમાં 5.18 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. છટ્ઠા તબક્કામાં 58 બેઠક પર 7.5 કરોડ લોકોએ મતદાન કર્યું છે, જ્યારે 2019માં 6.64 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. સાતમા તબક્કામાં 57 બેઠક પર 6.19 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. સાતમા તબક્કાની 57 સીટ પર 10 કરોડ મતદાર 904 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયાનો આજનો અંતિમ પડાવ પણ પૂરો થઈ રહ્યો છે, જ્યારે પરિણામ ચોથી જૂને આવશે.
ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું એ ચર્ચાનો વિષય રહ્યો હતો. શરુઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ વોટિંગના આંકડા છુપાવતા હોવાનો આરોપ મૂક્યો ત્યારે ચૂંટણી પંચે એ આરોપોને ફગાવ્યા હતા. છ તબક્કાના આંકડા મુજબ 2019ની તુલનામાં ઓછું મતદાન થયું પણ મતદાન કરનારાની સંખ્યા વધી ગઈ છે. 2019ના છઠ્ઠા તબક્કામાં 55.22 કરોડ લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે આ વખતે આ આંકડા 57.76 કરોડ થયા છે.
મતદારની સંખ્યા ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પૂર્વે જાહેર કરી હતી દેશમાં કૂલ 96.88 કરોડ રજિસ્ટર્ડ વોટર હતા, જે 2019માં 89.6 કરોડ હતા. પુરુષ વોટર 49.7 કરોડ અને મહિલા 47.1 કરોડ હતી. 2.63 કરોડ નવા મતદારનો સમાવેશ થયો હતો. 2019માં 61.08 કરોડ મતદારે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. કૂલ 67.09 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણી 2024માં ટકાની વાત કરીએ તો 2019ની તુલનામાં ટકાવારીમાં ઘટાડો થયો છે. પહેલા તબક્કાની 102 બેઠક પર 66.14 ટકા (2019માં 69.96), બીજા તબક્કાની 88 બેઠક પર 66.71 ટકા (70.09), ત્રીજામાં 93 બેઠક પર 65.68 (66.89), ચોથામાં 96 સીટ 69.16 ટકા (69.12), પાંચમા તબક્કામાં 49 બેઠક પર 62.01 ટકા (62.20) અને 25મીના છઠ્ઠા તબક્કામાં 58 બેઠક પર 64.22 (63.37) ટકા થયું હતું.