Lok Sabha Election: પાંચમા તબક્કામાં 49 બેઠક પર 695 ઉમેદવાર મેદાનમાં
રાજનાથ સિંહથી લઈને રાહુલ ગાંધીનું ભાવિ મતદાર નક્કી કરશે, 227 ઉમેદવાર કરોડપતિ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના પાચમા તબક્કાનું મતદાન સોમવારે હાથ ધરવામાં આવશે. પાંચમા તબક્કામાં 49 બેઠક પર 695 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે, જ્યારે સૌથી વધુ 14 બેઠક સાથે ઉત્તર પ્રદેશની હશે. 14 બેઠક પર 144 ઉમેદવાર હશે, જ્યારે મહારાષ્ટ્રમાં 13 બેઠક સાથે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના તબક્કા પૂરા થશે. પાંચમા તબક્કાની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય સ્તરે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સહિત અનેક દિગ્ગજ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પાંચમા તબક્કાના મતદાનમાં 49 બેઠક પર 695 ઉમેદવારથી 12 ટકા મહિલા છે, જ્યારે 227 ઉમેદવાર કરોડપતિ છે. ઉત્તર પ્રદેશની જાણીતી લોકસભાની બેઠક પૈકી એક લખનઊની છે, જ્યાં ભાજપ વતીથી રાજનાથ સિંહ છે, જ્યારે તેમની સામે સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મેહરોત્રા છે. ઉપરાંત, માયાવતીની પાર્ટીએ સરવર મલિકને ટિકિટ આપી છે. આ જ બેઠક પર રાજનાથ સિંહ 2019માં 54.78 ટકા મતથી જીત્યા હતા.
રાજનાથ સિંહ સિવાય રાહુલ ગાંધી બહુ જાણીતી બેઠક રાયબરેલીથી ઊભા રહ્યા છે, જે સીટ પર કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 2019માં જીત મળી હતી. 2019માં સોનિયા ગાંધી જીત્યા હતા, જ્યારે આ વખતે રાહુલ ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહની ટક્કર રહેશે. આ અગાઉ સોનિયા ગાંધીએ દિનેશ પ્રતાપ સિંહને 2019માં હરાવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં અમેઠીની બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પણ લડશે, જ્યારે અમેઠીની બેઠક પર છેલ્લા દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા કેએલ શર્માએ ઉમેદવારી નોંધાવી હતી. માયાવતીએ અમેઠીની બેઠક પર નન્હે સિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. 2019ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા, જ્યારે સીટ પર 54 ટકા મતદાન થયું હતું.
બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી એનડીએના સાથીપક્ષ લોજપા (આર) ચિરાગ પાસવાન ચૂંટણીના મેદાનમાં છે. હાજીપુરની બેઠક પર શિવચંદ્ર રામને રાજદએ ટિકિટ આપી છે. 2019માં હાજીપુરની બેઠક પર 55 ટકાથી વધુ મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના ઉમેદવાર પશુપતી પારસે જીત મેળવી હતી.
કાશ્મીરની વાત કરીએ તો બારામુલાની બેઠક પર પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડી રહ્યા છે, જેથી સીટનું વિશેષ મહત્ત્વ છે. ઓમર અબ્દુલ્લાની સામે મહેબૂબા મુફતીની પાર્ટી (પીડીપી)ના ઉમેદવાર ફૈયાઝ અહેમદ છે. 2019ની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.
પાંચમા તબક્કામાં કેન્દ્રીય પ્રધાનની વાત કરીએ તો નવ કેન્દ્રીય પ્રધાન ચૂંટણીના મેદાનમાં છે, જેમાં પિયૂષ ગોયલ, કૌશલ કિશોર, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, ડો. ભારતી પ્રવીણ પવાર, અન્નપૂર્ણા દેવી, કપિલ પાટીલ, શાંતનુ ઠાકુરનો સમાવેશ થાય છે, જેમાંથી મહારાષ્ટ્રના ત્રણ પ્રધાન છે.