વીજ વેરણઃ દેશમાં વીજળી પડવાના વિવિધ બનાવોમાં 100થી વધુ લોકોનાં મોત
નવી દિલ્હીઃ દેશમાં વિવિધ રાજ્યોમાં વરસાદ વિનાશ વેરી રહ્યો છે. ભીષણ ગરમી પછી ધીમે ધીમે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, પરંતુ એની સાથે મોટા ભાગના વિસ્તારોમાં ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાને કારણે મોટી આફતનું નિર્માણ બન્યું છે.
ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે. એકલા બિહારમાં વીજળી પડવાને કારણે 54 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એના અંગે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે શોક પણ વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને ચાર લાખ રુપિયાની મદદ કરવાની જાહેરાત પણ કરી છે. બિહારની સાથે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના બનાવમાં 40થી લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના 20 જિલ્લાના કૂલ 43 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોને વીજળી પડવાના બનાવમાં ઈજા પણ પહોંચી છે. વીજળી પડવાના સૌથી વધુ બનાવ રાજ્યના પ્રતાપગઢ જિલ્લામાં બન્યા હતા, જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ સુલ્તાનપુરમાં સાત, ચંદોલીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, મેનપુરીમાં પાંચ, પ્રયાગરાજમાં ચાર તેમ જ દેવરિયા, હાથરસ, વારાણસી અને સિદ્ધાર્થનગરમાં એક-એક લોકોના મોત થયા છે. આ ઉપરાંત, આ બધા જિલ્લામાં વીજળી પડવાના કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દાઝ્યા પણ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જિલ્લામાં સવારના ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે મોટા ભાગના પીડિત ખેતર યા માછીમારી કરતી વખતે ભોગ બન્યા હતા. અમુક જગ્યાએ બાળકો પર વીજળી પડવાના બનાવ બન્યા હતા. બુધવારે સુલ્તાનમાં પર વીજળી પડવાના બનાવમાં ત્રણ બાળક અને એક મહિલા સાથે સાત લોકોનાં મોત થયા હતા. ભારે વરસાદ પછી એક મહિલા વૃક્ષ નીચે ઊભી રહી ત્યારે વીજળી પડતા ઘટનાસ્થળે મોત થયું હતું. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે 2020માં દેશના વિવિધ હિસ્સામાં વીજળી પડવાના બનાવોમાં 100થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યા હતા, જેના ચાર વર્ષ બાદ આ વર્ષે વીજળી અને વરસાદ પડવાના બનાવમાં મોટી જાનહાનિના બનાવ બન્યા છે. કહેવાય છે કે મોટા ભાગના વીજળી પડવાના બનાવો પણ ગ્રામીણ ભારતમાં નોંધાય છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર 2018માં ભારતના વિવિધ રાજ્યમાં વીજળી પડવાથી 2,300થી વધુ લોકો માર્યા ગયા હતા અને 2005થી દર વર્ષે ઓછામાં ઓછા 2,000 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2018માં દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં માત્ર 13 કલાકમાં 36,749 વીજળીના કડાકા-ભડાકા નોંધાયા હોવાના કિસ્સો નોંધાયો હતો.