દુનિયાનું સૌથી મોટું ઘર ગુજરાતમાં છે, જાણો ક્યાં આવેલું છે?
દુનિયામાં અમીરોની વસ્તી વધી રહી છે અને આ અમીરો દ્વારા બનાવવામાં આવતા બંગલો પેલેસથી કમ હોતા નથી. ભૂતકાળમાં રાજા રજવાડાઓના જમાનામાં ભવ્ય કિલ્લાઓ બનાવવામાં આવતા હતા, જે આજની તારીખે શ્રીમંત લોકો પોતાની લાઈફસ્ટાઈલ અનુસાર એટલા ભવ્ય બિલ્ડિંગ બનાવી રહ્યા છે. વાત કરીએ ટોચના 10 ભવ્ય અને મોંઘા રેસિડેન્શિયલ બિલ્ડિંગની, જ્યાં મોર્ડન સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. તાજેતરમાં બ્રુનેઈના સુલ્તાન હસલસન બોલ્કિયાએ તેના મહેલ અંગે જણાવ્યું હતું કે જેનો ગુમ્મટ સહિત અન્ય વસ્તુને 22 કેરેટ સોનાથી બનાવી હતી, પરંતુ ભારતમાં દુનિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ ભારતમાં છે. તમારી જાણ ખાતર જણાવીએ આ બિલ્ડિંગ દેશના શ્રીમંત મુકેશ અંબાણીની એન્ટિલિયા બિલ્ડિંગથી પણ મોટી છે લક્ષ્મી વિલાસ પેલેસ.
ગુજરાતના ગાયકવાડ પરિવાર દ્વારા નિર્મિત ઐતિહાસિક વારસાનો શાનદાર નમૂનો છે. 1880માં આ મહેલને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગમાં ઈન્ડો સારાસેનિક રિવાઈવલનો માસ્ટરપીસ એક જમાનામાં દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ પ્રોપર્ટી હતી. બરોડામાં 30.45 મિલિયન સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. પેલેસમાં મલ્ટિ કલર માર્બલ, આકર્ષક પેન્ટિંગ્સ, શાનદાર કલાકૃતિઓ અને ફાઉન્ટેનવાળા લક્ષ્મી વિલાસ પેલેસની તુલના બકિંગમ પેલેસની તુલનામાં ચાર ગણી મોટી છે.
એક અનુમાન અનુસાર લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત 1,80,000 પાઉન્ડ (20,000 કરોડ રુપિયા)ની આસપાસ છે. આ પેલેસ હાલમાં સમરજીત ગાયકવાડ, તેમના પત્ની રાધિકારાજે ગાયકવાડ અને બે દીકરીનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસનો ઈતિહાસ પણ રોમાંચક છે. બરોડામાં લક્ષ્મી વિલાસ પેલેસ પહેલા ગાયકવાડ રાજપરિવાર મહારાજા પેલેસ અથવા નજરબાગમાં રહેતા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને એક મોટા ઘરની જરુરિયાત ઊભી થઈ અને જાણીતા આર્કિટેક્ચર મેજર ચાર્લ્સ મેંટે તમામ સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું. આ મહેલને તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક મેજર ચાર્લ્સ મૈંટનું નિધન થયું, ત્યારબાદ અધૂરું કામ રોબર્ટ ફેલોઝ ચિસોલ્મે પૂરું કર્યુ હતું.
આ મહેલ અઢારમી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ઈન્ટરનલ ટેલિફોન એક્સચેન્જ, એલિવેટર્સ અને ક્યારેય વીજ સપ્લાય ખોરવાય નહીં એવી સિસ્ટમ ઊભી કરી હતી. બહારનો હિસ્સો ગોલ્ડન સ્ટોનથી બનાવ્યો હતો, જે પથ્થર સોનગઢની ખાણમાંથી મંગાવવામાં આવ્યા હતા. ભવ્ય મહેલમાં મોંઘા માર્બલ્સ, પથ્થરો અને શાનદાર કોતરણીવાળા શિલ્પો તેમ જ રાજા રવિ વર્માના અનેક પેન્ટિંગ્સ પણ છે.
પેલેસના પરિસરમાં ગોલ્ફ કોર્સ, એલવીપી બેંકવેટ, મોતી બાગ પેલેસ અને મહારાજ ફતેહ સિંહ મ્યુઝિયમનું બિલ્ડિંગ છે. એના સિવાય મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિયેશન ઓફિસ, ઈન્ડોર ટેનિસ, બેડ મિન્ટનની કોર્ટ છે. 700 એકરમાં ફેલાયેલ પેલેસમાં 170 રુમ છે. ચાર માળનો ઊંચો લક્ષ્મી વિલાસ પેલેસને મહારાજા અને મહારાણી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતમાં હોવા છતાં આ મહેલમાં યુરોપિયન ઘર જેવી છાંટ જોવા મળે છે. જો તમે હવે એની ભવ્યતાને જોવી હોય તો ટિકિટ લઈને મુલાકાત કરી શકો છો. આ પેલેસ બરોડા એરપોર્ટથી સાત કિલોમીટર દૂર છે, જ્યારે રેલવે સ્ટેશનથી ચાર કિલોમીટરના અંતરે છે.