March 9, 2026
ગુજરાતટોપ ન્યુઝ

કચ્છના દીકરા દિશાંત નિસરે UPSC 2025માં વગાડ્યો ડંકો: ઓલ ઈન્ડિયા 19મો રેન્ક મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું

Spread the love

જો તમારું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જરુરીઃ દિશાંત નિસર

યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન)ની પ્રતિષ્ઠિત પરીક્ષા (2025)ના પરિણામ જાહેર થયા, જેમાં ગુજરાતના 34 ઉમેદવાર ઝળક્યાં. આ ઉમેદવારમાં કચ્છ જિલ્લાના દિશાંત અમૃતલાલ નિસરે ઓલ ઈન્ડિયા રેન્કમાં 19મું સ્થાન પણ મેળવીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. ટોચના 100 ઉમેદવારમાં એકમાત્ર નિસરે નામ રોશન કરતા સમાજના લોકોમાં ખુશીનો માહોલ છે તો જાણીએ કોણ છે અને આ અઘરી પરીક્ષા કઈ રીતે પાસ કરી.

જન્મે ભચાઉ (આઘોઈ)ના રહેવાસી એવા 27 વર્ષના દિશાંતનો ઉછેર મુંબઈમાં થયો છે. મુંબઈની નગીનદાસ ખાંડવાલા કોલેજમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ કરનાર નિશાંતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી પોલિટિકલ સાયન્સમાંથી કર્યું છે. પિતા અમૃતલાલ નિસર ગુજરાતી નાટકો લખવાની સાથે એક મેગેઝિન પણ ચલાવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે, પરંતુ પરિવાર છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં રહે છે. યુપીએસસીમાં મળેલી સફળતા અંગે દિશાંતે કહ્યું કે આ યુપીએસસીમાં મારો ચોથો પ્રયાસ હતો. પહેલી પરીક્ષામાં પ્રારંભિક પરીક્ષામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે બીજા પ્રયાસમાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યો પણ ફાઈનલ પાસ કરી શક્યો નહીં.

આગળ જણાવે છે કે રેલવે (ઈન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ)ની પણ પરીક્ષા પાસ કરી હતી, પરંતુ એમાં બ્રેક લઈને યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું સપનું સેવ્યું અને સખત મહેનત પછી સફળ રહ્યું. પરીક્ષા પાસ કરવા માટે એક વાત નક્કી કરી લો તમારે સખત મહેનત કરવાની છે અને નબળાઈઓને પણ સમજવાની જરુરી છે. જો તમે લક્ષ્યાંક નક્કી કરી લો તો સમજી લો આઠથી દસ કલાક મહેનત કરવાની છે અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ.

પરિવાર સાથે સમાજે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે દિશાંતે સમગ્ર કચ્છના વાગડ જ નહીં, પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે. યુપીએસસી જેવી સૌથી આકરી પરીક્ષા એક વખત નહીં, પરંતુ બબ્બે વખતે પાસ કરીને કચ્છ વાગડનું નામ રાષ્ટ્રીયસ્તરે ચમકાવ્યું છે. 2025ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં રેન્ક મેળવીને દિશાંતે વાગડ-કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પણ આપી હતી.

મે 2025માં આયોજિત યુપીએસસીની પરીક્ષામાં 14,000 ઉમેદવારે મેઈનની પરીક્ષા આપી હતી, જેમાં એસપીઆઈપીએના 272 તાલીમાર્થીનો પણ સમાવેશ થયો હતો. ટોચના 500 ઉમેદવારની યાદીમાં ગુજરાતી ઉમેદવારે પણ રેન્ક મેળવ્યો છે, જેમાં વિપુલ ચૌધરી (115), ભાવેશ જગલાન (128), પંકજ સોની (130), સૌરભ શર્મા (146), તુષાર મેદાપારા (195), કીર્તન ભટ્ટ (262), અનિકેત પટેલ (266), જિતેન્દ્ર પ્રજાપતિ (287), સાવન સરવડિયા (292) વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!