July 1, 2025
રમત ગમત

MI VS KKR: મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા સામે હારતા પ્લેઓફમાંથી બહાર

Spread the love


મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2024)ની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા સામે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 19.5 ઓવરમાં 169 રન સુધી મર્યાદિત રાખવા છતાં સામાન્ય સ્કોર અચીવ કરવામાં ધુરંધરોની ટીમ નિષ્ફળ રહેતા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ આઠમી મેચ હાર્યું છે.
વાનખેડેમાં રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ મુંબઈ ઈન્ડિયન્સ 24 રનથી હાર્યું હતું. 2012માં જીત્યા પછી લગભગ 12 વર્ષ પછી પહેલી વખત કોલકાતા વાનખેડેમાં જીત્યા પછી મુંબઈ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
કોલકાતાની ટીમ પહેલી 20 ઓવરમાં મર્યાદિત સ્કોર સુધી રહ્યું હતું, જેમાં સુનીલ નારાયણ, સોલ્ટ, શ્રેયસ અય્યર આક્રમક રમત રમવામાં નિષ્ફળ રહ્યા પછી મનીષ પાંડે (31 બોલમાં 42 રન) અને વિજ્ઞેશ અય્યર (52 બોલમાં 70 રન)ની મહત્ત્વની બેટિંગને કારણે સન્માનજનક સ્કોર કરવામાં કોલકાતા સફળ રહ્યું હતું. સામે પક્ષે મુંબઈ ઈન્ડિયન્સના બોલરમાં નુવાન થુસારા અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઉપરાંત, કોએટ્સઝી અને કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી વધુ ખર્ચાળ બોલર સાબિત થયા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી.
170 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શરુઆતથી ધબડકો નોંધાવ્યો હતો. એક પછી એક વિકેટ પડવાને કારણે મુંબઈની ટીમ ફક્ત 18.5 ઓવરમાં 145 રને ઓલઆઉટ થયું હતું. વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવેલા રોહિત શર્મા (11) સસ્તામાં આઉટ થયો હતો. ઈશાન કિશન પણ 13 રન, નમન ધીર 11 રને આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવ સન્માનજનક રમત રમ્યો હતો, જેમાં તબક્કાવાર વિકેટ ગુમાવ્યા છતાં સાતમી વિકેટ સુધી રમ્યો હતો. 35 બોલમાં 56 રન કર્યા હતા, જ્યારે ટીમ ડેવિડે 20 બોલમાં 24 રન કર્યા હતા. બાકી ખેલાડીઓએ તદ્નન ગલીકક્ષાની રમત રમીને પેવેલિયન ભેગા થયા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમને મર્યાદિત રાખવા માટે કોલકાતાના બોલરની આક્રમક બોલિંગ પણ જવાબદાર હતી, જેમાં મિશેલ સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી. 3.5 ઓવરમાં ચાર વિકેટ લઈને 33 રન આપ્યા હતા, ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ બે વિકેટ, સુનિલ નારાયણે બે અને એન્ડ્રે રસેલે બે વિકેટ લેવાને કારણે મુંબઈની શરમજનક હાર થઈ હતી. શુક્રવારે મુંબઈ કોલકાતા સામે હાર્યા પછી પોઈન્ટ ટેબલમાં મુંબઈના છ પોઈન્ટ થયા છે, જેમાંથી 11 મેચમાંથી ત્રણમાં જીત્યું છે, જ્યારે આઠમા હાર્યું છે. સામે પક્ષે કોલકાતા 10 મેચમાંથી સાતમા જીત અને ત્રણમાં હાર્યા પછી બીજા ક્રમે પહોંચ્યું છે. આ સિઝનમાં દસ ટીમમાંથી અત્યાર સુધીમાં આઠ મેચ હારવાનો રેકોર્ડ પણ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે નોંધાયો છે.


મુંબઈ ઈન્ડિયન્સને ટેકો આપવા માટે અનેક ફિલ્મી હસ્તીઓ ઉમટી પડી હતી, જ્યારે જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર સહિત સચિન તેંડુલકરની દીકરી પણ આવી હતી. જાહન્વી કપૂર સહિત સારા તેંડુલકરની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!