ગુજરાતનો ખેડા જિલ્લો કઈ રીતે બન્યો સારસના સંરક્ષણનો ‘ગ્લોબલ મોડેલ’, જાણો સારસનું મહત્ત્વ?
જિલ્લામાં આવેલું પરીએજ વેટલેન્ડમાં સારસ પક્ષીઓની સંખ્યા 1,400ને પાર થઈ

ગુજરાતમાં ગીરના જંગલ અને કચ્છની વેટલેન્ડ સાથે હવે નવી એક વેટલેન્ડને કારણે દુનિયાભરના પક્ષીવિદ્દોનું ધ્યાન દોરાયું છે. ખેડા અને આણંદની સીમાએ આવેલું પરિયેજ વેટલેન્ડ ઈકો-ટૂરિઝમ અને રોજગારીનું નવું કેન્દ્ર બની રહ્યું છે.વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોને કારણે અહીં પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. પક્ષીઓની વિવિધતાને કારણે પ્રદેશ બર્ડિંગ માટે ફોટોગ્રાફરની સાથે પર્યટકોની પસંદ બન્યો છે.
ખેડા જિલ્લામાં 2015માં તેની સંખ્યા માંડ 500 હતી, પરંતુ બીજા દસ વર્ષમાં તેની સંખ્યા વધીને 1,400 પાર થઈ છે. સારસ સહિત 100થી વધુ પક્ષી જાતિઓના આશ્રયસ્થાનને કારણે હવે ઈકો-ટૂરિઝમ તરીકે નવું સ્થળ બન્યું છે, જે પર્યાવરણની જાળવણી સહિત નવી રોજગારીની તક તરીકે પણ ઊભરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા અહીંના વિસ્તારને પર્યટક પ્લેસ તરીકે વિકસાવવાના પ્રયાસથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે. અહીંના વિસ્તારોની રક્ષા સાથે વૈજ્ઞાનિક રીતે દેખરેખ રાખી રહ્યા છે.
સારસની વિશેષતા શું છે એ પણ જાણીએ. ભારતીય લગ્નજીવનમાં સાત ફેરાનું વિશેષ મહત્ત્વ છે, જે સાત જન્મ સુધી નિભાવવાનું વચન એક સામાજિક પરંપરા બની ગઈ છે. આ બાબત માનવીની સાથે દુનિયાના શાહી પક્ષી પણ નિભાવે છે. એવું કહેવાય છે કે સારસ એવું પક્ષી છે, જે જીવનભર જોડી બની રહે છે. આ પેરની વિશેષતા છે કે એકનું મોત થયા પછી બીજું સારસ પણ પોતાનો જીવન ત્યાગ કરે છે. વેટલેન્ડની સુરક્ષાના અભાવે વિલુપ્ત થનારા સારસ (Sarus Crane) પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે આ સારસ ગુજરાતમાં જોવા મળ્યા છે જેની સંખ્યા પણ વધી છે.
દેશભરમાં ઘટતા જંગલોની સંખ્યા, પક્ષીઓના રહેઠાણ ખતમ થઈ રહ્યા હોવાથી ઈકોસિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા થયા છે. એશિયાઈ મૂળના સૌથી વિશાળ પક્ષી ઊંચા પર્વતો પર ઉડે છે, જે એકલા નહીં, પરંતુ સાથે ઉડે છે. એક વખત જોડી બન્યા પછી જીવનભર સાથ આપે છે અને જો કોઈ દુર્ઘટના થાય તો બીજું પણ ખાવાપીવાનું છોડી દે છે, જે પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.
દુનિયામાં સારસની આઠ જેટલી પ્રજાતિ જોવા મળે છે, જેમાં ચાર ભારતમાં રહે છે. ખાસ કરીને ગંગાનદીના મેદાની વિસ્તારો તેમ જ ઉત્તર ભારતમાં પુષ્કળ પાણી ધરાવનાર વિસ્તારમાં જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ સંખ્યા જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે સંખ્યા ઘટી રહી છે. નિષ્ણાતો પણ માને છે કે એમપીમાં એની સંખ્યા ઘટીને 500ની આસપાસ રહી છે. મધ્ય પ્રદેશ સિવાય હવે ગુજરાતમાં જોવા મળવાને કારણે પક્ષીવિદો માટે આ બાબત સૌથી મોટી માનવામાં આવે છે.
