કર્ણાટકના તુંગભદ્રા ડેમના દરવાજાની સાંકળ તૂટી, અધિકારીઓ અને તંત્ર એલર્ટ મોડ પર…
કર્ણાટક: કર્ણાટક રાજ્યના પ્રમુખ ડેમમાંથી એક એવા તુંગભદ્રા ડેમ ખાતે એક મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે તુંગભદ્રા ડેમના દરવાજાની સાંકળ તૂટી જતાં હાલમાં ડેમમાંથી 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને કિનારાના ગામોને સતર્કતાનો ઈશારો આપવામાં આવ્યો છે. 70 વર્ષ બાદ આ પહેલી મોટી દુર્ઘટના અહીં ઘટી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે શનિવારે મધરાતે અચાનક જ ડેમના 19 નંબરના ગેટની સાંકળ તૂટી ગઈ હતી જેને કારણે 35,000 ક્યુસેક પાણીનો વિસર્ગ થવા લાગ્યો હતો. ડેમમાંથી આશરે 60 ટીએમસી ફૂટ પાણી છોડ્યા બાદ જ સમારકામનું કામ હાથ ધરવામાં આવશે. દરમિયાન અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કર્ણાટકના વરિષ્ઠ અધિકારીએ રવિવારે સવારે આ ડેમની મુલાકાત લીધી હતી. શનિવારે મોડી રાતે બનેલી આ ઘટના બાદ રવિવાર સવારથી જ ડેમના 33 દરવાજામાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તુંગભદ્રા એ કર્ણાટકનું સૌથી મોટું ડેમ છે અને હાલમાં આ ડેમનું જળસ્તર ઘટાડવાનું કામ કરાઈ રહ્યું છે જેથી વહેલી તકે સમારકામ શરૂ કરાઇ શકે.
જો સમયસર આ સમારકામ નહીં કરવામાં આવે તો મોટી હોનારત સર્જાવવાનો ભય પણ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનાને કારણે તંત્ર અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે.