આખરે ફિલ્મ Emergency પરની ઈમરજન્સી ટળી, આ દિવસે થશે ફિલ્મ રિલીઝ….
બી ટાઉનની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી પણ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી હતી અને આખરે હવે 6ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે રીલિઝ થનારી ફિલ્મ એક મહિના બાદ એટલે કે 6 ઓકટોબરના દિવસે રીલિઝ થશે. સેન્સર બોર્ડ દ્વારા કેટલાક ફેરફાર સૂચવવામાં આવ્યા છે અને આ ફેરફારો અને ક્ટ્સ સાથે ફિલ્મ આવતા મહિને રીલિઝ થવા જઈ રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા ફિલ્મને 3 કટ અને કુલ 10 ફેરફારો સાથે ‘UA’ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ ઈમર્જન્સીના નિર્માતાઓ પાસેથી વિવાદાસ્પદ ઐતિહાસિક નિવેદનોના સ્ત્રોતની માંગણી કરી છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા ભારતીય મહિલાઓ પ્રત્યે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અને વિન્સ્ટન ચર્ચિલની ટિપ્પણીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભારતીયો ‘સસલાની જેમ ઉછેર કરે છે’. નિર્માતાઓએ આ બંને વિવાદિત નિવેદનોના સોર્સની માહિતી બોર્ડને પૂરી પાડવી પડશે. બોર્ડ દ્વારા ફિલ્મને રિલીઝ કરવા માટે આવશ્યક 10 કટ અને સુધારાઓની યાદી મોકલવામાં આવી હતી.
8મી જુલાઈના રોજ, નિર્માતાઓએ ફિલ્મને બોર્ડને પાસ કરવા માટે સબમિટ કરી હતી અને 8મી ઓગસ્ટના રોજ, 3 કટ સહિત ફિલ્મમાં 10 ફેરફારો કરવા માટે સૂચનો મોકલવામાં આવ્યા હતા. બોર્ડે મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડને એક પત્ર લખ્યો હતો અને ‘UA’ પ્રમાણપત્ર માટે જરૂરી 10 કટ અને સુધારાઓની યાદી મોકલી હતી.
ફિલ્મ નિર્માતાઓને બોર્ડે સૂચવ્યું હતું કે નિર્માતાઓએ ફિલ્મના દ્રશ્યને કાઢી નાખવા પડશે કે બદલવા પડશે. ફિલ્મના એક દ્રશ્યમાં દેખાડવામાં આવ્યું છે કે પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરે છે અને એમાં પણ ખાસ કરીને એ દ્રશ્ય કે જ્યાં એક સૈનિક એક નવજાત બાળક અને ત્રણ મહિલાઓની કતલે આમ કરી નાખે છે.
સીબીએફસીના 8મી ઓગસ્ટના પત્રને પગલે સૂત્રોએ જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓએ 14મી ઓગસ્ટના રોજ જવાબ આપ્યો હતો અને તે જ દિવસે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ નિર્માતાઓ એક સિવાયના તમામ કટ અને ફેરફારો માટે સહમતી દર્શાવી હતી. ફિલ્મ ઈમરજન્સી લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલી હતી. આ ફિલ્મને કારણે ઊભા થયેલા વિવાદોની સાથે સાથે જ કંગના રનૌતને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. પરંતુ આખરે બોર્ડે અમુક ફેરફારો અને કટ્સ સાથે ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.
