વિસર્જનના દિવસે દેશભરમાં Jioની સર્વિસ ડાઉન, યુઝર્સે કાગારોળ મચાવી
મુંબઈ: મંગળવારે વિસર્જનના દિવસે મુંબઈ સહિત દેશભરમાં Reliance Jioની સર્વિસ ડાઉન થતાં કરોડો યુઝર્સને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. યુઝર્સ સોશિયલ મીડિયા પર સતત નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ જ વર્ષે મે મહિનામાં પણ Reliance Jioની સર્વિસ ડાઉન થઈ હતી. જોકે, કંપની દ્વારા આ બાબતે દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે 10,000થી વધુ લોકોને અસર થઈ હતી, જ્યારે 65 ટકાને સિગ્નલ ઈશ્યૂ, 19 ટકાને ઈન્ટરનેટનો ઈશ્યૂ થયો હતો.
Reliance Jioના યુઝર્સ મંગળવારની સવારથી જ સોશિયલ મીડિયા પર નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. કલાકોથી નેટવર્ક ડાઉન હોવાની અને આ સાથે સાથે જ બ્રોડબેન્ડ સર્વિસ પણ ઠપ્પ હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે.
ટેકનિકલ આઉટેજને ટ્રેક કરનાર ડાઉનડિટેક્ટર દ્વારા પણ Reliance Jioના આઉટેજની સમસ્યાને સમર્થન આપ્યું છે. ડાઉનડિટેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશની રાજધાની નવી દિલ્હી, લખનૌ, નાગપુર, કટક, હૈદરાબાદ, ચેન્નઈ, પટના, અમદાવાદ, કોલકાતા અને ગુવાહાટી જેવા અનેક શહેરોમાં નેટવર્કની સમસ્યા જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મે અને જૂન, 2024 મહિનામાં પણ મુંબઈમાં Jioની સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી અને એ સમયે પણ જિયો ડાઉન થવા અંગે યુઝર્સ સોશિયલ મીડિયા પર સતત ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ જીયોડાઉન ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક યૂઝરે ફરિયાદ સાથે જીયોને અપશબ્દો લખ્યા હતા.
Airtel and Vodafone Idea User : #Jiodown pic.twitter.com/rSFnI9gK3B
— Amit Behal (@amitbehalll) September 17, 2024
છેલ્લા કલાકોથી નેટવર્ક આઉટેજને કારણે લોકો ફોન કરી શક્તા નહોતા, જ્યારે અમુક લોકો વીડિયોની પણ આપલે નહીં કરતા તહેવારના દિવસે લોકોએ જીયો સામે સોશિયલ મીડિયા પર બંડ પોકાર્યું હતું. સાંજ સુધીમાં તો લાખો લોકોએ ફરિયાદ કરી હતી. એક યૂઝરે તો લખ્યું હતું કે થોડા દિવસો પહેલા રિચાર્જના ભાવ વધાર્યા અને પ્લાન પૂરો થવામાં કલાકની વાર હોય ત્યારે જ નોટિફિકેશન આપો. આ શું પાંચ દિવસ પહેલા ચાલુ પડી જાઓ છો તો અન્ય લોકોએ મીમ્સ પણ બનાવીને ટીકા કરી હતી.