મની લોન્ડરિંગઃ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને મળ્યા જામીન
મુંબઈઃ મની લોન્ડરિંગ કેસમાં આખરે આજે બોમ્બે હાઈ કોર્ટે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. એની સાથે હાઈ કોર્ટે તેમને મુંબઈ બહાર જવા માટે તેમને કોર્ટની પરવાનગી લેવાની રહેશે, એમ પણ આદેશમાં જણાવ્યું છે.
જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને મેડિકલના આધારે બે મહિનાના વચગાળાના જામીન હાઈ કોર્ટે મંજૂર કર્યા હતા. ગોયલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હાઈ કોર્ટે તેમના જામીનની અરજીને માન્ય કરતા કહ્યું હતું કે ગોયલને જામીન માટે એક લાખ રુપિયાનો દંડ ભરવો પડશે એની સાથે મુંબઈ બહાર જવા માટે ટ્રાયલ કોર્ટની મંજૂરી લેવાની રહેશે.
75 વર્ષના ગોયલને મેડિકલ અને માનવતાના આધારે વચગાળાના જામીન આપવાની માગણી કરી હતી. કોર્ટમાં તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમની પત્ની અનિતા ગોયલ બંને કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં એક વિશેષ કોર્ટે ગોયલની જામીન અરજીને ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે તેમને તેમની પસંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાની મંજૂરી આપી હતી.
ઈડીએ નરેશ ગોયલની સપ્ટેમ્બર 2023માં ધરપકડ કરી હતી અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે જેટ એરવેઝને મળેલી 538 કરોડ રુપિયાની લોનનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કર્યો હતો. ઈડીએ તેમને મની લોન્ડરિંગના આરોપી બનાવ્યા હતા.
ત્યારબાદ નવેમ્બર 2023માં તેમના પત્ની અનિતા ગોયલની ધરપકડ કરી હતી. તેમની ગંભીર બીમારીને કારણે સ્પેશ્યલ કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગોયલ રડી પડ્યા હતા અને આ પ્રકારની જિંદગી કરતા મોત સારું એમ પણ કહ્યું હતું. મેં જીવવાની અપેક્ષા રાખી નથી અને હવે તો હું જેલમાં મરી જવાનું પસંદ કરીશ. એના પછી કોર્ટમાં 15મી ફેબ્રુઆરીના કેન્સરની સારવાર માટે જામીન માગ્યા હતા.