હેં, અમિતાભ બચ્ચને ક્યારેય ઐશ્વર્યા રાય-બચ્ચનને વહુ તરીકે સ્વીકારી જ નહોતી, જાણો કોણે કર્યો આ ખુલાસો

બચ્ચન પરિવાર અત્યારે તેમના પારિવારિક વિવાદો અને ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ રહી છે, ત્યારે જયા બચ્ચનનું એક વર્ષો જૂનું નિવેદન ફરીથી વાઈરલ થઈ રહ્યું છે. જયા બચ્ચનનું આ સ્ટેટમેન્ટ એ સમયનું છે જ્યારે ઐશ્વર્યા નવી-નવી વહુ બનીને બચ્ચન પરિવારમાં આવી હતી. એ સમયે જયા બચ્ચને ખુલાસો કર્યો હતો કે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારેય ‘વહુ’ માની જ નથી. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…
બચ્ચન પરિવારમાં અત્યારે ભલે ગમે તેટલી ખેંચતાણ ચાલતી હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચન માટે ઐશ્વર્યા રાય તેમની વહુ કરતાં દીકરી સમાન વધુ હતી. જયા બચ્ચને વર્ષો પહેલા ‘કોફી વિથ કરણ’ શોમાં આ બાબતે ખૂબ જ ભાવુક વાતો શેર કરી હતી, જે આજે ફરીથી લોકોના દિલ જીતી રહી છે.
જયા બચ્ચને એક શો પર જણાવ્યું હતું કે, જ્યારે બચ્ચન પરિવારની લાડકી દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન થયા અને તે સાસરે ગઈ, ત્યારે અમિતાભ બચ્ચન એકદમ એકલા પડી ગયા હતા. તેમના જીવનમાં એક મોટો ખાલીપો આવી ગયો હતો. શ્વેતા હવે ‘બચ્ચન’ નથી રહી અને તે બીજાના ઘરે જતી રહી છે, એ વાત સ્વીકારવી અમિતાભ અને જયા બચ્ચન બંને માટે અત્યંત અઘરું હતું.
વર્ષ 2007માં જ્યારે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા, ત્યારે ઐશ્વર્યા રાય વહુ બનીને ઘરમાં આવી. જયા બચ્ચનના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યાના આવવાથી અમિતાભના જીવનમાં જે દીકરીની જગ્યા ખાલી પડી હતી, તે ફરીથી ભરાઈ ગઈ. ઐશ્વર્યામાં અમિતાભે હંમેશા શ્વેતાની છબી જોઈ છે. જયાએ કહ્યું હતું કે, અમિતાભ જ્યારે પણ ઐશને જુએ છે, ત્યારે એકદમ ખુશ થઈ જાય છે. તેમની આંખોમાં એ જ ચમક હોય છે જે શ્વેતાને જોતી વખતે હોય છે.
બચ્ચન પરિવારે ઐશ્વર્યાને હંમેશા એક દીકરીનો દરજ્જો આપ્યો છે. ઐશ્વર્યાએ પોતાની સમજદારી અને પ્રેમથી શ્વેતાના જવાથી પડેલા ખાલીપાને ભરી દીધો હતો. જયા બચ્ચને સ્વીકાર્યું હતું કે તેમના માટે એડજેસ્ટ કરવું અઘરું હતું, પરંતુ ઐશ્વર્યાએ પોતાની રીતભાતથી પરિવારને ફરીથી પૂર્ણ કર્યો હતો. અમિતાભ બચ્ચન માટે ઐશ્વર્યા ક્યારેય માત્ર વહુ રહી નથી, પણ તે ઘરની એ દીકરી બની ગઈ હતી જેણે વિખરાયેલા મનને ફરીથી જોડી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના સમયમાં જ્યારે આ જ પરિવારમાં વિખવાદની વાતો ચાલી રહી છે, ત્યારે જયા બચ્ચનનું આ નિવેદન યાદ અપાવે છે કે એક સમયે આ પરિવાર વચ્ચે કેટલો અતૂટ પ્રેમ હતો.
