નંદ ઘેર આનંદ ભયો: સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધૂમ, મથુરા-વૃંદાવનમાં ઉમટ્યાં ભક્તો
મથુરાના શ્રીકૃષ્ણ મંદિરને “ઓપરેશન સિંદૂર” થીમથી સજાવાયું, ઈસ્કોન મંદિર અને કાશ્મીરથી દિલ્હી સુધી ભક્તિનો માહોલ

આજે સમગ્ર દેશમાં ધૂમધામથી જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના અગણિત મંદિરો આવેલા છે. લાખો શ્રદ્ધાળુઓ મથુરા-વૃંદાવન સહિત અનેક શ્રીકૃષ્ણ મંદિરોમાં જાય છે. જન્માષ્ટમીના તહેવારની ઉજવણી માટે મથુરાના શ્રીકૃષ્ણ મંદિરમાં ઓપરેશન સિંદૂરની થીમથી મંદિરને સજાવવામાં આવ્યું હતું. મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું દૃશ્ય અલૌકિક રહ્યું. મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભજન-કીર્તન અને દર્શન-પૂજનના કાર્યક્રમ સવારથી ચાલુ રહ્યા હતા, જ્યારે તમામ મંદિરોને ફૂલો અને લાઈટિંગથી સજાવવામાં આવ્યા હતા.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રાતના બાર વાગ્યાના ટકોરે શ્રીકૃષ્ણના જન્મસ્થળે ઢોલ-નગારા, ઝાંઝ-મઝીરાને તાલે ગૂંજી ઊઠ્યા હતા. ભગવાનના પ્રાગટ્યોત્સવની ખુશીમાં ભક્તો ઝૂમવા લાગ્યા હતા. મંદિરના ખૂણે ખૂણે જય કનૈયા લાલ કીના નાદથી ગૂંજી ઊઠ્યા હતા. ભગવાન લાલાને સોળ શ્રૃંગારથી સજાવવામાં આવ્યા હતા. મથુરામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમીન તિથિ પર શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરાથી કૃષ્ણ જન્માષ્ટમીની તસવીરો પણ વાયરલ થઈ હતી, જ્યાં લોકો મંદિરમાં મોટી સંખ્યામાં ઉમેટી પડ્યા હતા. મથુરાના કટરા કેશવદેવ સ્થિત શ્રીકૃષ્ણ જન્મસ્થળને ઓપરેશન સિંદૂરની થીમથી સજાવવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના સચિવ કપિલ શર્માએ કહ્યું કે ભગવાન કૃષ્ણને ચાંદીથી સુસજ્જિત ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે, જેને સિંદૂર પુષ્પમહલના માફક સજાવવામાં આવ્યું છે. આજે સવારથી સાડાપાંચ વાગ્યાથી રાતના દોઢ વાગ્યા સુધી ભક્તો પ્રવેશ કરી શકશે.
ગુજરાતના ઈસ્કોન મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કર્યા પછી મોટી સંખ્યામાં લોકોએ શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. ભગવાનના જન્મદિવસે ઈસ્કોન મંદિર ભક્તોએ હરે રામ, હરે કૃષ્ણના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ઉપરાંત, કાશ્મીરમાં પણ ધૂમધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રીનગરમાં ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાશ્મીરી પંડિતોએ હબ્બા કદલ શહેર સ્થિત ગણપતિયાર મંદિરથી શરુ કરી, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ક્રાલખુદ, બારબરશાહથી પસાર થઈને ઐતિહાસિક લાલચોક સ્થિત ઘંટાઘર પહોંચી હતી. અહીંની શોભાયાત્રામાં પુરુષો, મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો. પાટનગર દિલ્હીમાં પણ જન્માષ્ટમીના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
